બોટાદ: ગઢડામાં ATMમાંથી લાખોની ચોરી કરનાર પકડાયા, સિક્યુરિટી ગાર્ડ સહિત કુલ 4 આરોપીની ધરપકડ
બોટાદના ગઢડામાં એસબીઆઈના એટીએમમાંથી 36 લાખથી વધુની ચોરીને અંજામ આપનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી 36.62 લાખની રકમ પોલીસે જપ્ત રકરી છે. ચારેય આરોપી ગઢડાના જ રહેવાસી હોવાનુ સામે આવ્યુ છે.
બોટાદના ગઢડામાં SBIના ATMને તોડી ચોરી કરનાર ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 19 જાન્યુઆરીએ ગઢડામાં ATM તોડી લાખોની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય સૂત્રધાર ATMનો સિક્યુરિટી ગાર્ડ નીકળ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સિક્યુરિટી ગાર્ડ ભાણા ચાવડાને આર્થિક ભીંસ પડી હોવાથી તેણે સમગ્ર પ્લાન રચ્યો હતો. તેના ભાઇ સંજય ચાવડાને સહિત 3 શખ્સોને સાથે રાખીને ચોરીને અંજામ આપ્યો હતો અને ATMમાંથી 36 લાખ 66 હજારની ચોરી કરીને ફરાર થયા હતા.
ઘટના બાદ SBIના મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ SP, DYSP, LCB અને FSL સહિતની ટીમ કામે લાગી હતી. જે બાદ તમામ CCTVની તપાસ કરતા સિક્યુરિટી ગાર્ડ પર શંકા ગઇ હતી અને જ્યારે સિક્યુરીટી ગાર્ડની પોલીસે પૂછપરછ કરી ત્યારે સમગ્ર ભાંડો ફૂટી ગયો.
મહત્વનું છે, આ ATM પોલીસ મથકથી 100 મીટર દૂર આવેલું છે. ત્યાંથી ખૂબ ચાલાકી સાથે શખ્સોએ ચોરીને અંજામ આપ્યો. પરંતુ ગણતરીના દિવસોમાં પકડાઇ ગયા. પોલીસે 36 લાખ 62 હજાર રોકડ સહિત 37 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો