ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી, જુઓ Video
ભરૂચમાંથી દેશના દુશ્મનને ઝડપી લેવામાં આવ્યો છે. CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ જાસૂસ મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજીની મહત્વની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો. આ માહિતી પોતાના પાકિસ્તાનમાં બેઠેલા આકા સુધી પહોંચાડવા માટે તે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતો હતો.
ભરૂચમાંથી દેશના દુશ્મનને ઝડપી લેવામાં આવ્યો છે. CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ જાસૂસ મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજીની મહત્વની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો. આ માહિતી પોતાના પાકિસ્તાનમાં બેઠેલા આકા સુધી પહોંચાડવા માટે તે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતો હતો.
પાકિસ્તાની જાસૂસનો પર્દાફાશ
સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આર્મીને હૈદરાબાદની કંપનીમાં કામ કરતા પ્રવિણ મિશ્રા પર શંકા ગઇ. CID ક્રાઇમની માનીએ તો, જાસૂસીને અંજામ આપવા, પાકિસ્તાની હેન્ડલરે સોનલ ગર્ગના નામની ID બનાવી હતી. જેના દ્વારા પ્રવિણ મિશ્રાનો સંપર્ક કરીને મિત્રતા કેળવી હતી. પ્લાન હનીટ્રેપ દ્વારા પ્રવિણ મિશ્રાને બ્લેકમેલ કરીને માહિતી મેળવવાનો હતો. જેમાં મહદઅંશે સફળતા પણ મળી. જોકે શંકા જતા ઘટનાની ગંભીરતાથી તપાસ કરાઇ અને આખરે પાકિસ્તાની જાસૂસનો પર્દાફાશ થયો.
સોશિયલ મીડિયાથી મોકલવામાં આવતી હતી માહિતી
ઉલ્લેખનીય છે કે જે સોનલ ગર્ગ નામની યુવતીના સંપર્કમાં પ્રવિણ મિશ્રા હતા, તે કોઇ યુવતી નહીં પરંતુ પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIનો હેન્ડલર હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે યુવક સોશિયલ મીડિયા દ્વારા યુવતી સાથે સંપર્કમાં રહેતો અને યુવતી દ્વારા માહિતી માગવામાં આવતી અને યુવક સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીને માહિતી મોકલતો હતો, તો વધુ ગુપ્ત માહિતી મેળવવા માટે ઝેડ ક્લાઉડ મોલવેરનો ઉપયોગ કર્યો હતો. જેને ખાનગી કંપનીની સિસ્ટમમાં સેટ કરીને સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડવાનો કારસો હતો.
સુરક્ષા એજન્સીઓ થઇ સતર્ક
તપાસમાં ખુલાસો થયો છે કે કંપનીમાં મોલવેરને ઇન્સ્ટોલ કરવાનો પણ પ્રયાસ થયો હતો. દેશની સુરક્ષા સાથે ચેડા થયાનું સામે આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે અને સમગ્ર મામલે એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે એજન્સીઓ એ તપાસમાં લાગી છે કે પાકિસ્તાની જાસૂસ સાથે અન્ય કોણ કોણ લોકો સંડોવાયેલા હતા. અત્યાર સુધી કયા કયા પ્રકારની માહિતી પાકિસ્તાની સુધી પહોંચાડવામાં આવી.