દાહોદના ઉસરવાણ ગામે ફુડ વિભાગના અધિકારીની ઓળખ આપી ઠગાઇનો પ્રયાસ, 4 આરોપીની ધરપકડ
ઉસરવાણમાં આવેલી મહાલક્ષ્મી ઓઇલ ડેપો પર ફુડ વિભાગના અધિકારીની ઓળખ આપી નકલી ઘી બનતું હોવાનું જણાવી 3 લાખમાં મામલો સગેવગે કરવાની ઓફર મુકી હતી. જો કે, મિલ માલિકને શંકા જતાં તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે.
દાહોદ જિલ્લાના ઉસરવાણ ગામે ફૂડ વિભાગના અધિકારીની ઓળખ આપીને 4 ગઠીયાઓ ઓઈલ મિલમાં ઘૂસ્યા હતા. આ આરોપીઓએ ઉસરવાણમાં આવેલી મહાલક્ષ્મી ઓઈલ ડેપો પર ફુડ વિભાગના અધિકારીની ઓળખ આપી નકલી ઘી બનતું હોવાનું જણાવી 3 લાખમાં મામલો સગેવગે કરવાની ઓફર મુકી હતી.
જો કે, મિલ માલિકને શંકા જતાં તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ દરમિયાન ઓળખપત્રો માગતા ફુડ વિભાગના નકલી અધિકારીઓનો ભાંડો ફુટ્યો હતા.
આ મામલે મધ્યપ્રદેશના જ એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી એક માઉઝર પિસ્તોલ અને ચાર કારતુસ પણ જપ્ત કર્યા છે. આરોપીઓએ અગાઉ આ પ્રકારે અન્ય લોકો સાથે છેતરપીંડી કરી છે કે કેમ ? ગેંગમાં બીજા કેટલા સાગરીતો છે તે બાબતે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.