વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, આગેવાનોની કાર અટકાવાઈ, જુઓ
વિજાપુર વિધાનસભા બેઠકની પેટાચુંટણીના પ્રચાર દરમિયાન પાટીદાર યુવાનોએ સીજે ચાવડાના પ્રચાર કરી રહેલા આગેવાનોને અટકાવ્યા હતા. કાંઠા વિસ્તારમાં પ્રચાર માટે ભાજપના નેતાઓ પહોંચ્યાં હતા પરંતુ પાટીદાર યુવાનો અને આગેવાનોએ પ્રચારમાં આવેલી ટીમને અટકાવી દીધી હતી. આમ એક તરફ ક્ષત્રિય રાજપૂત સમાજના વિરોધ બાદ હવે વધુ એક વિરોધનો સામનો મહેસાણા જિલ્લામાં કર્યો હતો.
મહેસાણાના વિજાપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે. ભાજપે ઉમેદવાર તરીકે કોંગ્રેસ છોડીને કેસરીયો ખેસ ધારણ કરેલા સીજે ચાવડાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે દિનેશ પટેલને મેદાને ઉતાર્યા છે. બંને પક્ષનો પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ દરમિયાન વિજાપુરના કાંઠા વિસ્તારમાં સીજે ચાવડા માટે પ્રચાર કરી રહેલા આગેવાનોને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
અત્યાર સુધી ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો દ્વારા વિરોધ ભાજપ સામે દર્શાવવામાં આવતો હતો. પરંતુ વિજાપુરમાં હવે ક્ષત્રિય રાજપૂત ઉમેદવારના પ્રચાર સામે જ વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં કાંઠા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સીજે ચાવડાના પ્રચાર માટે પીઆઈ પટેલ સહિતના આગેવાનો પહોંચ્યા હતા. પરંતુ કાંઠા વિસ્તારમાં પાટીદાર યુવાનોએ પીઆઈ પટેલની કારને રોકીને પ્રચારને અટકાવી દેવામાં આવી હતી. આમ સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ દર્શાવ્યો હતો. જોકે આ સમર્થકો કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલના હોવાના આક્ષેપો થવા લાગ્યા હતા. દિનેશ પટેલના ઈશારે વિરોધ કરવામાં આવ્યો હોવાની પણ ચર્ચા ઉઠી છે.
આ પણ વાંચો: આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો