સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપના ઉમેદવારને સમર્થન
સાબરકાંઠા લોકસભાની બેઠક પર ભાજપ અને કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર ધમધમવા લાગ્યો છે. આ દરમિયાન હવે મહત્વના કાર્યકરો અને આગેવાનો પણ એક બીજા રાજકીય પક્ષોના ટેકામાં આવતા હોવાના પણ સમાચાર સામે આવતા હોય છે. આવી જ રીતે હિંમતનગર તાલુકા પંચાયતના બે મહત્વના સદસ્યોને લઈ સમાચાર આવ્યા છે. ભાજપના ઉમેદવાર સામે વિરોધમાં ઉતરેલા સદસ્ય હવે ભાજપના ખેસ સાથે જોવા મળ્યા છે.
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે. ભાજપના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયા અને કોંગ્રેસના તુષાર ચૌધરી ગ્રામ્ય વિસ્તારોને ખૂંદી રહ્યા છે. તો બીજી તરફ રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધનું ડેમજ કંટ્રોલ પણ થઈ રહ્યાનો માહોલ સર્જાયો છે. આ દરમિયાન હવે ભાજપ સાથે વધુ એક ભાજપના જ ક્ષત્રિય યુવા આગેવાન ફરીથી પ્રચાર કાર્યમાં જોડાયા છે.
યુવા આગેવાન અને તાલુકા પંચાયતના સદસ્ય જિતેન્દ્રસિંહ ઝાલા અગાઉ ઉમેદવારના નામ જાહેર થવાને લઈ વિરોધમાં ઉતરી આવ્યા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી. વિરોધના સર્જાયેલા ચિત્રમાં મુખ્ય ભૂમિકા જિતેન્દ્રસિંહે ભજવી હતી. જોકે હવે તેઓ ઉમેદવારના સમર્થનમાં આવીને ભાજપનો ખેસ પ્રભારી ગજેન્દ્ર સક્સેનાના હાથે પહેરીને પ્રચારની શરુઆત કરી હતી. આમ મહત્વના ક્ષત્રિય આગેવાન હવે ભાજપના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા મેદાને ઉતર્યા છે.
અપક્ષ સદસ્ય ભાજપમાં જોડાયા
ભાજપે સાબરકાંઠા બેઠક પર મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. જેનાથી પ્રેરાઈને હિંમતનગર તાલુકા પંચાયતના પાટીદાર અપક્ષ મહિલા સદસ્ય ધારા પટેલે ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. ધારા પટેલે ભાજપની મહિલા સશક્તિકરણ માટેની વિચારધારાથી પ્રેરણા લઈને તેઓ અપક્ષમાંથી ભાજપ સાથે જોડાયા હોવાનું કહ્યુ હતું.
રામ મંદિરના નિર્માણ સમયે જ તેઓએ ભાજપને સમર્થન કરવાનો નિશ્ચય કર્યો હતો અને હવે આખરે તેઓએ ભાજપનો કેસરી ખેસ ધારણ કર્યો હોવાનું મીડિયાને જણાવ્યું હતું. ધારા પટેલે કહ્યુ હતું કે, તેઓ ભાજપ માટે પ્રચાર કરીને ઉમેદવારને માટે સમર્થન કરશે.
આ પણ વાંચો: આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો