કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં શક્તિસિંહે આપ્યુ નિવેદન, મુઠ્ઠીભર માલમાલ થાય, અન્યને કંઈ મળતુ નથી- એ રોકવા માટે આ ન્યાય યાત્રા- વીડિયો 

| Edited By: | Updated on: Mar 09, 2024 | 11:42 PM

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ત્રીજા દિવસે નર્મદાના રાજપીપળા પહોંચી હતી. અહીં શક્તિસિંહ ગોહિલે રાજપીપળાના વેપારીઓને હેરાન કરાતા હોવાનું જણાવ્યુ. શક્તિસિંહે જણાવ્યુ કે વેપારીઓએ રાહુલ ગાંધીને આવેદનપત્ર આપ્યુ છે. શક્તિસિંહે પ્રહાર કર્યો કે હાલ દેશમાં એવી સ્થિતિ બની છે કે માત્ર મુઠ્ઠીભર લોકો માલામાલ થાય છે.એ ન થાય એ માટે રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા છે.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જિલ્લાના રાજપીપળા આવી પહોંચી હતી. અહીં શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ કે રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રા એ ન્યાય યાત્રા છે. મુઠ્ઠીભર લોકો માલામાલ થાય અને આમ નાગરિકોની પરેશાની વધે એવુ ન થાય, એમનો અવાજ બનવા માટે રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાય યાત્રા છે. શક્તિસિંહે વધુમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યુ સરદારનું સ્ટેચ્યુ બનાવતી વખતે જે આદિવાસીઓની જમીનો છીનવી લેવામાં આવી છે, તેમને વળતર આપવામાં આવ્યુ નથી.

“સરદાર પટેલ સ્ટેડિયમનું નામ રાતોરાત બદલી નાંખ્યું”

શક્તિસિંહે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલવા મુદ્દે પણ પ્રહાર કર્યો. સ્ટેડિયમના નામમાંથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ગાયબ કરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયુ છે. નર્મદામાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નથી લીધી પરંતુ બારડોલીમાં રાહુલ ગાંધી સ્વરાજ આશ્રમ જવાના છે. શક્તિસિંહે જણાવ્યુ કે સ્વરાજ આશ્રમએ સરદાર પટેલનું બીજુ ઘર છે.

શક્તિસિંહે વેપારીઓના પ્રશ્નો મુદ્દે જણાવ્યુ કે અહીં રાજપીપળાના વેપારીઓનું એસોસિએશન અમને મળ્યુ. તેમણે કહ્યુ નાના વેપારીઓએ જણાવ્યુ કે અમને હેરાન કરવામાં આવે છે. અમારા પર ધોંસ જમાવવામાં આવે છે.

નેત્રંગમાં ચૈતર વસાવા રાહુલની યાત્રામાં જોડાયા

આ તરફ ભરૂચના નેત્રંગમાં રાહુલગાંધીની આ યાત્રામાં આપના લોકસભા ઉમેદવાર ચૈતર વસાવા પણ જોડાયા હતા. તેમણે જણાવ્યુ કે સમગ્ર ગુજરાતમાં આ યાત્રાની ઘણી મોટી અસર જોવા મળશે. જે રીતે રાહુલ ગાંધીએ આદિવાસી વિસ્તારોથી આ યાત્રાની શરૂઆત કરી છે તેને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ છે. તેમણે લોકસભા ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો

અહેમદ પટેલના પરિવારે ભારત જોડો ન્યાય યાત્રાથી કર્યો કિનારો

આ તરફ એક સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પરિવારે આ યાત્રાથી કિનારો કર્યો છે. અહેમદ પટેલનો ગઢ ગણાતા ભરૂચમાંથી જ ન્યાય યાત્રા પસાર થઈ હોવા છતા અહેમદ પટેલના પરિવારના કોઈ સભ્ય ત્યાં ડોકાયા સુદ્ધા ન હતા. તેમના પુત્રી મુમતાઝ પટેલ કે ફૈસલ પટેલ બંને ભાઈબહેનમાંથી કોઈપણ આ યાત્રામાં દેખાયા ન હતા.

ઈન્ડી એલાયન્સ અંતર્ગત કોંગ્રેસે ભાવનગર અને ભરૂચ લોકસભા બેઠકો આપને ફાળવતા અહેમદ પટેલના પરિવારમાં ભારોભાર નારાજગી છે. આ બેઠક પર પહેલેથી જ અહેમદ પટેલના પુત્ર અને પુત્રી દાવેદારી કરી રહ્યા હતા. પરંતુ આપના ઉમેદવારને આ બેઠક ફાળવાતા મુમતાઝ પટેલ અને ફૈસલ પટેલ બંને નારાજ છે. જો કે અગાઉ કોંગ્રેસે મુમતાઝ અને ફૈસલને મનાવી લેવાયા હોવાનો દાવો કર્યો હતો. જે દાવાની પણ આજે પોલ ખૂલી ગઈ હતી

આ પણ વાંચો : ભવનાથમાં મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ સિદ્ધહસ્ત સન્યાસીઓ કેમ દેખાતા બંધ થઈ જાય છે- શું કહે છે ભવનાથના મહંત- જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

 

Published on: Mar 09, 2024 11:40 PM