ઈફ્કોના વિવાદ વચ્ચે દિલીપ સંઘાણીએ ઉજવ્યો જન્મદિવસ, કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર- ઉત્તર ગુજરાતના દિગ્ગજ પાટીદાર નેતાઓ દેખાયા એકમંચ પર- Video
ઈફ્કોની ચૂંટણીના વિવાદ વચ્ચે રવિવારે દિલીપ સંઘાણીએ જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમના 71માં જન્મદિવસે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમા સંઘાણીએ શક્તિપ્રદર્શન કર્યુ હોય તેવા દૃશ્યો જોવા મળ્યા. સંઘાણીના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના દિગ્ગજ પાટીદાર નેતાઓ એકમંચ પર દેખાયા હતા.
ઈફ્કોની ડાયરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીતમાં નિર્ણાયક અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર દિલીપ સંઘાણીએ તેમના 71માં જન્મદિવસની અમરેલીમાં ઉજવણી કરી. આ નિમીત્તે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. ઈફ્કોના પૂર્વ ચેરમેનએ તેમના જન્મદિવસે શક્તિપ્રદર્શન કર્યુ હોય તેમ અમરેલીમાં પ્રથમવાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાટીદાર દિગ્ગજ નેતાઓ એકમંચ પર જોવા મળ્યા. કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, નીતિન પટેલ, જયેશ રાદડિયા, સાંસદ નારણ કાછડિયા, આર.સી. ફળદુ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેને લઈને રાજકીય તર્ક વિતર્કે જોર પકડ્યુ છે.
ભાજપમાં શરૂ થયેલા બગાવતના સુર વચ્ચે આ રાજકીય નેતાઓની સામાજિક કાર્યક્રમમાં મુલાકાત ઘણી સૂચક ગણાઈ રહી છે. આ કાર્યક્રમ ભલે સંઘાણીના જન્મદિવસનો હોય પરંતુ મંચ પરથી નેતાઓએ અનેક સૂચક નિવેદન પણ કર્યા હતા. ઈફ્કોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈ ચૂંટણીમાં દાવેદારી કરી ચૂંટણી જીતનારા જયેશ રાદડિયાએ કાર્યક્રમમાં કહ્યુ કે મારા માટે પિતા વિઠ્ઠલ રાદડિયા બાદ દિલીપ સંઘાણીએ સતત માર્ગદર્શકની ભૂમિકા ભજવી છે.
આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સંઘાણીના ભરપેટ વખાણ કરતા કહ્યું કે સંઘાણી સાહેબની સત્ય સાથે રહેવાની ખાસિયત છે. સંઘાણીના જજ સાથેના વિવાદનો પણ નીતિન પટેલે ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ, નર્મદામાં વાવાઝોડા સાથે, તો ડાંગના સાપુતારામાં થયો કરાનો વરસાદ- Video
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો