કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કરા સાથે માવઠુ, ભાવનગર, બોટાદ, અંબાજીના વાતાવરણમાં બપોર બાદ આવ્યો પલટો- જુઓ Video

| Edited By: | Updated on: May 13, 2024 | 4:36 PM

મે મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી માવઠું આવ્યું. અનેક જગ્યાએ તો કરા પણ પડ્યા. વરસાદને લીધે ગરમીથી રાહત મળી તો વળી ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઉનાળામાં વરસાદ વરસતા પ્રભાવિત વિસ્તારના લોકો ડબલ સિઝન અનુભવી રહ્યાં છે.

કાળજાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદે ચિંતા વધારી છે. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે ઉકળાટ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. ભરઉનાળે જિલ્લાના અનેક તાલુકામાં સ્વચ્છ આકાશમાં વાદળછાયુ વાતાવરણ બન્યુ હતુ. જિલ્લાના સિહોર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે પવનની ડમરીઓ ઉડી હતી અને જોરદાર પવન સાથે તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. કાજાવદર, જાંબાળા, ટાણા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો.

બનાસકાંઠાના અંબાજીમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો. સતત ગરમીનો માર સહન કરી રહેલા અંબાજી પંથકના લોકો માટે આ દ્રશ્યો રાહત સમાન હતા. કારણ કે વરસાદી છાંટાથી વાતાવરણમાં આંશિક રાહત જોવા મળી હતી અને લોકોએ એક રીતે હાશકારો અનુભવ્યો હતો.

વાવાઝોડા અને બરફના કરા સાથે પડેલા વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે અને ખાસ કરીને રવિવારે પડેલા રસાદના કારણે કેરી પકવતા ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું છે. વાવાઝોડામાં કેટલીક જગ્યાએ કેરીઓ પડી ગઈ જ્યારે બરફના કરાને કારણે કેરીના ફળ ઉપર ડાઘ લાગી જતા પાક નિષ્ફળ ગયો છે.

આ પણ વાંચો: રાજ્યમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, વલસાડ અને ડાંગમાં મોસમનો માર, કેરીના પાકને પારાવાર નુકસાન- Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો