શું રાજ્ય પર તોળાઈ રહ્યો છે જળ સંકટનો ખતરો? ગુજરાતના જળાશયોમાં હાલ બચ્યુ છે માત્ર આટલુ પાણી- જુઓ વીડિયો
રાજ્ય પર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના જળાશયોમાં હાલની સ્થિતિએ 47 ટકા જેટલું પાણી છે અને જે ઝડપથી જળાશયોમાં પાણીના જથ્થામાં ઘટાડો થઇ રહ્યો છે, તેમણે ચોક્કસપણે ચિંતામાં વધારો કર્યો છે.
એપ્રિલ મહિનામાં જ સમગ્ર ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયું છે. ત્યારે એપ્રિલના અંતમાં જ વર્તાઇ રહ્યા છે ગુજરાતમાં જળસંકટના એંધાણ. ગુજરાતના ડેમોમાં પાણીની સ્થિતિના હાલના આંકડા તમે જોશો તો પાણીને લઇને તમારી ચિંતા પણ ઘણી વધી જશે.
ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીની સીધી અસર રાજ્યોના વિવિધ ડેમોના જળસંગ્રહ પર થઇ રહી છે. જેના પરિણામે ગુજરાતમાં જળસંક્ટના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુજરાતના જળાશયોમાં હાલની સ્થિતિએ 47 ટકા જેટલું પાણી છે. પરંતુ જે ઝડપથી જળાશયોમાં પાણીના જથ્થામાં ઘટાડો થઇ રહ્યો છે તેમણે ચોક્કસપણે ચિંતામાં વધારો કર્યો છે. કેમકે ગત 23 માર્ચના રોજ ડેમોમાં પાણીનો જથ્થો કુલ 58 ટકા હતો. મતલબ કે છેલ્લા 30 દિવસમાં જ રાજ્યના જળસંગ્રહમાં 11 ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50 ટકા પાણી છે. રાજ્યના 67 જળાશયો એવા છે કે જેમાં 10 ટકાથી પણ ઓછું પાણી છે. 25 ટકાથી ઓછો જળસંગ્રહ હોય એવા જળાશયોની સંખ્યા 114 છે. એટલે કે રાજ્યના અડધાથી પણ વધુ જળાશયોમાં 25 ટકાથી પણ ઓછું પાણી છે. 15 ડેમો તો સાવ તળિયાઝાટક છે. રાજ્યમાં હજુ વરસાદનું આગમન થવાને ઓછામાં ઓછા બે મહિના બાકી છે. વળી જળાશયોમાં નવા નીર તો સામાન્ય સંજોગોમાં જૂલાઈ માસમાં જ આવતા હોય છે. જેના કારણે ગુજરાતમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે.
આ પણ વાંચો: ક્ષત્રિયોએ ધર્મરથના માધ્યમથી ભાજપ વિરુદ્ધ શરૂ કર્યુ અભિયાન, શક્તિપીઠ અંબાજીથી વધુ એક રથનું પ્રસ્થાન- Video