કેસરિયા ઝંડા અને દંડા સાથે કમલમનો ઘેરાવ કરવા કરણી સેનાની હાકલ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Apr 07, 2024 | 1:43 PM

કરણી સેનાએ આપેલા કમલમ ઘેરાવની હાકલ વચ્ચે, ભાજપ આ સમગ્ર મામલો થાળે પાડવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે. લોકસભા ચૂંટણી પૂર્વે આ વિવાદનો સુખદ અંત લાવવા માટે ભારતીય જનતા પાર્ટી સતત પ્રયાસો કરી રહી છે. આજે 7મી એપ્રિલના રોજ ગાંધીનગરમાં ફરી એકવાર ભાજપના ક્ષત્રિય સમાજના અગ્રણીઓની એક બેઠક યોજાનાર છે.

લોકસભાની રાજકોટ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રિય પ્રધાન પરશોત્તમ રુપાલાના વિરોધમાં, ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમને ઘેરાવ કરવાની હાકલ કરણી સેનાએ કરી છે. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે એક વીડિયોમાં હાકલ કરતા કહ્યું છે કે, કેસરિયા ઝંડા અને દંડા સાથે, આગામી 9 મી એપ્રિલને મંગળવારના રોજ ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયે ઉમટવું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલા વિવાદાસ્પદ ઉચ્ચારણો બદલ, ગુજરાતના ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ આંદોલન છેડ્યું છે. જો કે પરશોત્તમ રુપાલાએ આ વિવાદાસ્પદ નિવેદન અંગે જાહેરમાં અને સોશિયલ મીડિયામાં માફી માગી છે. જે ક્ષત્રિય સમાજને માન્ય નથી અને રૂપાલાને પડતા મૂકવાની માગ લઈને આંદોલન કરી રહ્યાં છે.

લોકસભા ચૂંટણી પૂર્વે આ વિવાદનો સુખદ અંત લાવવા માટે ભારતીય જનતા પાર્ટી સતત પ્રયાસો કરી રહી છે. આજે 7મી એપ્રિલના રોજ ગાંધીનગરમાં ફરી એકવાર ભાજપના ક્ષત્રિય સમાજના અગ્રણીઓની એક બેઠક યોજાનાર છે. અગાઉ ગત સપ્તાહે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની એક બેઠક યોજાઈ હતી જે અનિર્ણાયક રહેવા પામી હતી.

 

 

 

Published on: Apr 07, 2024 01:40 PM