PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરાયા
સાબરકાંઠા લોકસભા બેઠકના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બુધવારે પહોંચશે. આ માટે થઈને સ્થાનિક ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હિંમતનગર પાસે આવેલ ગઢોડા ગામની સીમ નજીક વિશાળ ડોમ સહિતના મેદાનને તૈયાર કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સોશિયલ મીડિયા પર સભા રદ થઈ હોવાના મેસેજ વાયરલ કર્યા હતા.
સાબરકાંઠા લોકસભા બેઠકનો ચૂંટણી પ્રચાર જોરશોરથી જોવા મળી રહ્યો છે. હવે રાષ્ટ્રીય સ્ટાર પ્રચારકો ગુજરાતમાં પ્રચારકાર્યને અંતિમ તબક્કામાં ધમધમાવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી આગામી 1, મેના રોજ સાબરકાંઠા લોકસભા બેઠક પર પ્રચાર સભા યોજનાર છે. પ્રચાર સભામાં મોટી સંખ્યા ઉપસ્થિત રહેવાની હોઈ વિશાળ સભા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
સભા સ્થળથી નજીકના અંતરે ચાર હેલિપૅડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે સમગ્ર કાર્યક્રમ માટે 50 હેક્ટર જગ્યામાં તૈયારીઓ શરુ કરી છે. વિશાળ પાર્કિંગથી લઈને બેઠક વ્યવસ્થાઓની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સીઆર પાટીલે સાબરકાંઠા બેઠક માટેના ચૂંટણી પ્રચાર દરમિયાન બેઠક યોજતા 1.23 લાખ લોકો ઉપસ્થિત રહેવાના લક્ષ્ય સાથે આયોજન ઘડવાની જવાબદારી તમામ ધારાસભ્યોને સૂચનાઓ આપી છે.
આ પણ વાંચો: આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો