Breaking News: નડિયાદમાં નિર્માણાધીન મકાનનો સ્લેબ તૂટયો, કામદારો દટાયા

| Updated on: Mar 11, 2024 | 4:13 PM

નડિયાદના સ્પોર્ટસ કોમ્પલેક્સ નજીક આવેલી એક સોસાયટીમાં નિર્માણાધીન મકાનનો સ્લેબ ધરાશાયી થતા કામદારો દટાયા હોવાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે ઘટનાને પગલે સ્થાનિક લોકોએ જ કામદારોને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા. ઘટનાના પગલે નડિયાદ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે.

ખેડાના નડિયાદમાં મકાનનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના ઘટી છે. ઘટનામાં 4 લોકો દટાયા હોવાની માહિતી સામે આવી છે. મરીડા રોડ પર સુલતાન પાર્કમાં સ્લેબ ધરાશાયી થયો હતો. નડિયાદ ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. દટાયેલા ચારેય લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. સ્થાનિકો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા.

ઘટનાને પગલે ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. હજી પણ કોઈ કામદાર આ કાટમાળમાં દટાયું તો નથીને તેની પુષ્ટિ કરવા માટે ગામના લોકો શોધખોળ કરી રહ્યા છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કયા કારણે આ દુર્ઘટના ઘટી તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. પરંતુ હાલમાં ઇજાગ્રસ્તોને પ્રાથમિકતા આપી સારવાર આપવા માટે ખસેડવામાં આવ્યા છે. સ્થળ પર હાજર સ્થાનિકોએ જણાવ્યું કે, ‘હું ચા પીતો હતો’ને ધડાકો સંભળાયો’, સ્થાનિકોજ દટાયેલાં લોકો માટે ‘દેવદૂત’ બન્યા હતા કારણ કે દટાયેલાં લોકોને એકેકને સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા.