આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબક્યો કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં ગરકાવ- Video

| Edited By: | Updated on: Apr 14, 2024 | 11:51 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રા઼જ્યના અનેક જિલ્લાઓમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમા કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો. કચ્છના ગાંધીધામ, અંજાર, ભૂજમાં વરસાદ પડ્યો.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બે દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો, ગાંધીધામ અંજાર અને ભુજ તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા તો રાપરના ગાગોદરમાં પણ ભારે કરા સાથે વરસાદ પડ્યો. હવામાન વિભાગે બે દિવસની વરસાદની આગાહી આપી છે. આ તરફ દેવભૂમિ દ્વારકામાં પણ કાળજાળ ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાનો માર જોવા મળ્યો. ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. ગુંદા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને કમોસમી વરસાદ ખાબક્યો હતો આ તરફ ભાણવડ શહેરમાં પણ ભારે પવન ફુંકાયો અને વંટોળ ઉપડ્યો હતો. ભારે વંટોળને કારણે શહેરમાં ધૂળની ડમરી ઉડી હતી. ગ્રામ્ય વિસ્તારોંમાં પવનથી વીજપોલને પણ અસર થઈ છે.

આ તરફ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો, ધારી તાલુકાના અનેક ગામમાં કમોસમા વરસાદ પડ્યો. જેમા દલખાણિયા, આંબાગાળા, પાણીયા, મીઠાપુર, સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. માવઠાથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

 

દક્ષિણ અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. મેઘાણીનગર, ઇન્દિરા બ્રિજ, ચિલોડા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. પાટણના રાધનપુર અને વારાહી પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું. સાબરકાંઠાના પોશીના પંથકમાં પણ ગરમીના ભારે ઉકળાટ વચ્ચે માવઠું પડ્યું. બીજી તરફ, બનાસકાંઠાના અંબાજી પંથકમાં પણ બપોરે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. જે બાદ વરસાદ વરસ્યો. વરસાદના કારણે ગરમીથી આંશિક રાહત તો મળી છે પરંતુ ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: ક્ષત્રિય મહાસંમેલનના અંતે કરણસિંહ ચાવડાએ કરી જાહેરાત, 19 તારીખ સુધીમાં ફોર્મ પરત નહીં લે તો…. -જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 14, 2024 11:48 PM