રૂપાલા, પાટીલની માફી છતાં અમદાવાદ, વડોદરા, ભરૂચ, દ્વારકા સહિતના જિલ્લાઓમાં આકરો વિરોધ કેમ? જુઓ વીડિયો
રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદનનો વિરોધ ડામવા ભાજપે રણનીતિ ઘડી છે. ભાજપે પોતાના ક્ષત્રિય નેતાઓને સમાજ વચ્ચે જવા સૂચના આપી છે. 25 માર્ચથી ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું હતું. ગોંડલ ભાજપના સંમેલન બાદ આંદોલને જોર પકડ્યું હતું. આ બાદ રાજ્યભરમાં રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. અમદાવાદ, વડોદરા, ભરૂચ સહિતના જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજનો એક જ સૂર છે કે તેમની ટિકિટ કાપવામાં આવે. પરંતુ ભાજપ પણ તેના નિર્ણય પર અડગ હોય તેમ લાગી રહ્યું છે.
ત્રણ-ત્રણ વખત રૂપાલાએ માફી માગી છતાં બે વખત હાથ જોડીને પાટીલની વિનંતી, છતાં માફ કરવા ક્ષત્રિયો તૈયાર નથી. રાજ્યભરમાં રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે.
મહાનગરો હોય કે નાના શહેરો દરેક સ્થળે રૂપાલા સામે ક્ષત્રિય સમાજે મોરચો માંડ્યો છે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજે મોટા પાયે વિરોધ પ્રદર્શન યોજ્યું અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી. બીજી તરફ વડોદરામાં પણ ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી.
ભરૂચમાં રૂપાલાના પૂતળાના દહન વખતે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. પોરબંદરમાં પણ બહોળી સંખ્યામાં રાજપૂત સમાજની બહેનોએ રૂપાલાની ટિપ્પણી સામે રોષ વ્યક્ત કર્યો.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો મતદાનના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી. બીજી તરફ જૂનાગઢના કેશોદમાં પણ રૂપાલા સામેનો વિરોધ વધુ ઉગ્ર બન્યો.
મહત્વનું છે કે વિવાદિત નિવેદન બાદ પરષોત્તમ રુપાલા વિરુદ્ધમાં આવેદનપત્રો અપાયા, વિરોધ પ્રદર્શન થયા તેમજ રાજકીય સંમેલનો પણ થયા.
રૂપાલા વિરુદ્ધ વધતા વિવાદના પગલે પરષોત્તમ રુપાલાએ માફી માંગી અને હવે પરસોત્તમ રૂપાલાએ પણ સામે આવીને કહી દીધું છે કે, મેં મારું સ્ટેન્ડ ક્લિઅર કરી લીધું છે. મારી ક્ષતિ હતી, તેથી મેં માફી માગી અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ મને હૈયાધારણા પણ આપી હતી. હવે આ વિષય તેમની દ્રષ્ટિએ પૂર્ણ થઈ ગયો છે. જોકે આ વિરોધ હજી પણ ઠરવાનો નામ લેતો નથી.