દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજવી પરિવારો માટે મ્યુઝિયમ બનાવવાની પીએમ મોદીએ કહી જાહેરાત- Video
જામનગરની ધરતી પરથી પીએમ મોદીએ આજે જંગી જનસભા સંબોધી આ દરમિયાન દેશની એક્તા માટે ક્ષત્રિયોના બલિદાનને પીએમ મોદીએ યાદ કર્યુ. પીએમ મોદીએ કહ્યુ દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે હું મ્યુઝિયમ બનાવવા જઈ રહ્યો છુ.
ક્ષત્રિયોની નારાજગી વચ્ચે જામનગરમાં PM મોદીએ ક્ષત્રિયોના બલિદાનની પ્રશંસા કરી અને કહ્યુ કે આપણા દેશના રાજા મહારાજાઓએ અખંડ ભારત બનાવવા માટે પોતાની પેઢીઓથી ચાલ્યુ આવતા રાજપાટ આપી દીધુ હતુ. તેમના યોગદાનને આ દેશ ક્યારેય ભૂલી નહીં શકે. પરંતુ આઝાદીના 75 વર્ષ બાદ પણ ઈતિહાસની આ મહત્વપૂર્ણ ઘટનાને નકારી દેવામાં આવી. આજે પણ શહેઝાદા જે ભાષા બોલે છે તેને દેશ સ્વીકાર ન કરી શકે પરંતુ મે ભારતની એક્તામાં સરદાર વલ્લભભાઈ પટેલનું જે યોગદાન રહ્યુ છે અને દુનિયાનું સૌથી મોટુ સ્ટેચ્યુ બનાવ્યુ અને ત્યાં જ દેશની એક્તા માટે યોગદાન દેનારા રાજપરિવારોનું મ્યુઝિયમ બનાવવા જઈ રહ્યો છુ.
વડાપ્રધાને કહ્યુ આઝાદીના આટલા વર્ષો બાદ આ માનસન્માન દેવાનો કોઈ સરકારોને વિચાર ન આવ્યો, માત્ર મને આવ્યો છે. કારણ કે હું ઈતિહાસની મહાનતાને પૂજનારો વ્યક્તિઓમાંથી છું. હું જાણુ છુ કે જે ઈતિહાસને ભૂલી જાય છે તેઓ ક્યારેય ઈતિહાસ બનાવી નથી શક્તા.
આ પહેલા પીએમ મોદીએ જામનગરના રાજવી જામ સાહેબ સાથે મુલાકાત કરી હતી. જામ સાહેબે પીએમ મોદીને પાઘડી પહેરાવી વિજયી ભવો:ના આશિર્વાદ આપ્યા હતા. આ વાતનો ઉલ્લેખ પીએમ મોદીએ તેમની જનસભા દરમિયાન કર્યો અને કહ્યુ કે જામ સાહેબે વિજયી ભવો કહ્યુ હોય એટલે વિજય નિશ્ચિત જ હોય છે.