વડોદરામાં સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ, અબોલ જીવોએ માણ્યો કેરીનો સ્વાદ- Video
વડોદરામાં શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળની ગાયોને કેરીનો રસ પીવડાવવામાં આવ્યો છે. અબોલ જીવો પણ ઉનાળાની ઋતુમાં કેરીના સ્વાદથી અજાણ ન રહે અને સ્વાદ માણી શકે માટે 300 કિલો કેરીનો રસ આ ગાયોને પીરસવામાં આવ્યો છે.
ઉનાળાની બળબળતી ગરમીમાં કેરીનો સ્વાદ માણતા લોકોએ ક્યારેય નહીં વિચાર્યુ હોય કે આ કેરીનો સ્વાદ અબોલ જીવોને મળી શકે ખરો, આવો જ એક ઉમદા વિચાર આવ્યો વડોદરાની શ્રવણ ફાઉન્ડેશનને અને તેમણે કરજણમાં આવેલા મિયાગામની પાંજરાપોળની ગાયોને રસ પીવડાવવા માટે અવેડાઓ કેરીના રસથી છલકાવી દીધા.
શ્રવણ ફાઉન્ડેશને પાંજરાપોળની ગાયો માટે 300 કિલો કેરીનો રસ બનાવડાવ્યો અને ગાયો આ રસને માણી શકે તે માટે અવેડાઓમાં તેમને પીરસવામાં આવ્યો. ગાયો પણ જાણે આ જ પળની રાહ જોતી હોય તેમ રસ પીવા માટે દોટ મુકી હતી. ગાયોનુ ધણ અલગ અલગ અવેડાઓમાં કેરીના મધુરા રસની મજા માણવા આવી પહોંચ્યુ હતુ અને ગાયોએ ધરાઈને કેરીના રસની મીઠાશ માણી હતી.
ઉનાળો આવે એટલે લોકો કાળઝાળ ગરમીથી અકળાય છે. જો કે આ ઋતુમાં જેને જોઈને પણ ઠંડક થાય તેવી કોઈ વસ્તુ હોય તો તે કેરી છે. કેરીના રસીયાઓ ઉનાળાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. બળબળતા બપોર વચ્ચે જીભને મીઠાશ અને હ્રદયને પરમ સ્વાદની અનુભૂતિ કરાવતી કેરીનો સ્વાદ માણી લોકો બે ઘડી ગરમીની અકળામણને ભૂલી જાય છે. લોકો તે દર ઉનાળે કેરીનો સ્વાદ માણે છે. ત્યારે અબોલ જીવો પણ કેરીનો સ્વાદ માણી શકે તેના માટે સેવાભાવિ સંસ્થાએ બીડુ ઝડપ્યુ અને ગાયોને પણ મજા કરાવી દીધી હતી. ગાયોને કેરીનો રસ પીવડાવી આ સંસ્થાએ ખરા અર્થમાં ગૌસેવા કરી હતી.
આ પણ વાંચો: લો બોલો તસ્કરોએ ભગવાનને પણ ન છોડ્યા, ઈસ્કોન મંદિરમાંથી ઘરેણાની કરી ચોરી- Video