ફોર્સ મોટર્સે આખરે તેની SUV ફોર્સ ગુરખાને સંપૂર્ણપણે નવા અવતારમાં લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને પાવરફુલ એન્જિનથી સજ્જ કંપનીએ આ SUVને 5-ડોર અને 3-ડોર એમ બંને વેરિએન્ટમાં લોન્ચ કરી છે. નવી ફોર્સ ગુરખા માટેનું બુકિંગ 29મી એપ્રિલથી શરૂ થઈ ગયું છે.
ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત ડીલરશીપ દ્વારા બુક કરાવી શકે છે. ફોર્સ મોટર્સનું કહેવું છે કે આ SUVની ટેસ્ટ ડ્રાઈવ આ સપ્તાહથી શરૂ કરવાની અને મહિનાના મધ્યથી ડિલિવરી કરવાની યોજના છે. કંપનીએ આ SUVમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે જે તેને પાછલા મોડલ કરતા વધુ સારી બનાવે છે.
હાલમાં ફોર્સ ગુરખા મહિન્દ્રા થાર સાથે સીધી સ્પર્ધા કરશે. જો કે, થાર હાલમાં ફક્ત 3-ડોરના વેરિયન્ટમાં આવે છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં થાર 5-ડોર લોન્ચ કરવાની યોજના છે. THAR પેટ્રોલ એન્જિનમાં ટુ-વ્હીલ ડ્રાઇવ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે પણ ઉપલબ્ધ છે. જ્યારે ગુરખા માત્ર ડીઝલ મેન્યુઅલ અને સ્ટાન્ડર્ડ ફોર વ્હીલ ડ્રાઈવ (4WD) વેરિઅન્ટમાં આવે છે.
ડિઝાઇનની વાત કરીએ તો તેમાં ઘણા ફેરફારો સાથે નવી ફોર્સ ગુરખાને અલગ-અલગ કલરમાં લોન્ચ કરી છે. જેમાં લીલો, લાલ, સફેદ અને કાળા રંગનો સમાવેશ થાય છે. 5 ડોર વેરિઅન્ટ દેખાવ અને ડિઝાઇનની દ્રષ્ટિએ 3 ડોર વેરિઅન્ટ જેવું જ છે. જો કે તે સાઈઝમાં મોટી છે અને તેની કેબિનમાં સારી બેઠક ક્ષમતા સાથે વધુ જગ્યા છે.
ગુરખાની કેબિનમાં 9 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે વાયરલેસ કાર કનેક્ટિવિટી સિસ્ટમ સાથે આવે છે. કંપનીએ મર્સિડીઝ-બેન્ઝ પાસેથી મેળવેલા 2.6 લિટરની ક્ષમતાવાળા 4 સિલિન્ડર ડીઝલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 138 bhpનો મજબૂત પાવર અને 320 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. તેમાં ફોર-વ્હીલ ડ્રાઇવ (4X4) સિસ્ટમ છે.
અન્ય સુવિધાઓમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ટિલ્ટ અને ટેલિસ્કોપિક સ્ટીયરિંગ વ્હીલ, મેન્યુઅલ એસી, છત પર માઉન્ટ થયેલ એસી વેન્ટ્સ, તમામ દરવાજાઓમાં પાવર વિન્ડો શામેલ છે. ફોર્સ ગુરખાની સુરક્ષામાં પણ સુધારો થયો છે. તેમાં ડ્યુઅલ એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સાથે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) છે.
ફોર્સ ગુરખા ફાઇવ-ડોર વેરિઅન્ટની શરૂઆતની કિંમત 18 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે અને થ્રી-ડોર વેરિઅન્ટની શરૂઆતની કિંમત 16.75 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો આવી ગઈ તારીખ…આ દિવસે લોન્ચ થશે વિશ્વની પ્રથમ CNG બાઇક