કોરોનાએ ફરી એકવાર સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, સતત વધી રહેલા કોરોના કેસને કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. આ વખતે કોરોના JN.1ના નવા પ્રકારે દસ્તક આપી છે, જેના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં છે, જ્યાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે JN.1 વેરિઅન્ટ ઓમિક્રોનનો એક ભાગ છે.
કોવિડ-19ના નવા પ્રકાર JN.1 પર AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર અને વરિષ્ઠ પલ્મોનોલોજિસ્ટ ડૉ. રણદીપ ગુલેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે આપણને એક એવી રસીની જરૂર છે જે કોરોના વાયરસના તમામ પ્રકારોને આવરી શકે. ડો. ગુલેરિયાએ જણાવ્યું હતું કે JN.1 વેરિઅન્ટ ઓમિક્રોનનો એક ભાગ છે. આવી સ્થિતિમાં, ઓમિક્રોન માટે જે રસી બનાવવામાં આવી હતી તે જેએન.1 માટે પણ અસરકારક રહેશે.
ડો. ગુલેરિયાએ કહ્યું કે, અગાઉની રસીકરણથી લોકોને સુરક્ષા મળી છે. આવી સ્થિતિમાં આપણે નક્કી કરવું પડશે કે શું આપણને નવી રસીની જરૂર છે, જે હાલમાં ફેલાતા વાયરસને આવરી શકે અને રોકી શકે. તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં વેરિઅન્ટ્સ સતત બદલાતા રહેશે. અગાઉ ડૉ. ગુલેરિયાએ JN.1 વેરિઅન્ટ અંગે કહ્યું હતું કે, JN.1માં સંક્રમણ લગાડવાની ખૂબ જ ઊંચી ક્ષમતા છે અને તે નવા સંક્રમણનું કારણ પણ બની રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની વર્તમાન સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડ પર છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સાવચેત રહેવા સૂચના આપી છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, તેલંગાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ સતત સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ રાજ્યો સંપૂર્ણપણે એલર્ટ છે. વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને સરકારી હોસ્પિટલોમાં વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેરળમાં જેએન.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ પ્રકાર એક વૃદ્ધ મહિલામાં જોવા મળ્યો હતો. ત્યારથી સરકાર સાવચેતી રાખી રહી છે. સરકારે રાજ્યના તમામ લોકોને માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવાની અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવાની અપીલ કરી છે.
દેશ વિદેશમાં ફેલાયેલા કોરોનાના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો
Published On - 12:49 pm, Sun, 24 December 23