લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મંગળવાર 7 મેના રોજ મતદાન થવાનું છે. આ ત્રીજા તબક્કામાં દેશની 93 લોકસભા સીટો પર મતદાન યોજાશે. ચૂંટણીના માહોલમાં લોકોના મનમાં મતદાન અને મતદાન પ્રક્રિયાને લઈને અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે. ચાલો આજે સમજીએ કે EVM મશીન કેવી રીતે કામ કરે છે. જો કોઈ વ્યક્તિ તેનું બટન વારંવાર દબાવે તો શું થાય ?
EVM મશીન બે યુનિટથી બનેલું હોય છે – એક છે કંટ્રોલ યુનિટ અને બીજુ છે બેલોટિંગ યુનિટ. કંટ્રોલ યુનિટ પ્રિસાઇડિંગ ઓફિસર પાસે રહે છે અને બેલેટિંગ યુનિટ એ એકમ છે જેના દ્વારા મતદાર મત આપતા હોય છે. આ એકમમાં ઉમેદવારોના નામ, તેમને ફાળવેલ ચૂંટણી ચિન્હ અને તેમને મત આપવા માટેનું બટન હોય છે. બંને મશીનો એકબીજા સાથે જોડાયેલા હોય છે.
જો કોઈ મતદાર બેલેટીંગ યુનિટ પરનું બટન દબાવતાની સાથે જ તેણે આપેલો મત રેકોર્ડ થઈ જાય છે અને મશીન લોક થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ મતદાન કર્યા પછી ફરીથી બેલેટીંગ યુનિટનું કોઈ પણ બટન દબાવશે, તો તે વધારાનો મત રેકોર્ડ નહી થાય. જ્યાં સુધી પ્રિસાઇડિંગ ઓફિસર કંટ્રોલ યુનિટ પર ‘બેલેટ’ બટન દબાવે નહીં ત્યાં સુધી બેલેટીંગ યુનિટ મશીન લોક રહે છે. આ રીતે ‘એક વ્યક્તિ, એક મત’નો અધિકાર સુનિશ્ચિત થાય છે.
બેલેટીંગ યુનિટમાં કુલ 16 ઉમેદવારોનો સમાવેશ થઈ શકે તેવી જોગવાઈ છે. ધારો કે એક મતવિસ્તારમાં માત્ર 10 ઉમેદવારો છે. જો મતદાર 11 થી 16 સુધીનું કોઈપણ બટન દબાવશે તો શું તેના કારણે મતનો બગાડ થશે? ચૂંટણી પંચના અહેવાલ મુજબ, આવા કિસ્સાઓમાં, EVM તૈયાર કરતી વખતે રિટર્નિંગ ઓફિસર દ્વારા 11 થી 16 નંબરોને ઢાંકી દેવામાં આવે છે. તેથી 11 થી 16 ના ઉમેદવારો માટે કોઈપણ મતદાર દ્વારા એક પણ બટન દબાવવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.
EVM મશીન ચલાવવા માટે વીજળીની જરૂર નથી. રિપોર્ટ અનુસાર, EVM સામાન્ય 7.5 વોલ્ટ આલ્કલાઇન પાવર-પેક પર ચાલે છે. આ બેંગ્લોરની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને હૈદરાબાદની ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવે છે. પાવર-પેકમાં 5 AA કદના સેલ(બેટરી) હોય છે જે 1.5 વોલ્ટ પર કાર્ય કરે છે. તેથી, ઇવીએમનો ઉપયોગ વીજળીના જોડાણ વિના પણ કરી શકાય છે.
ઈવીએમની વોટ સ્ટોર કરવાની ક્ષમતા તેના મોડલ પર આધારિત છે. જૂની બનાવટના EVM (2000-05 સુધીના મોડલ)માં વધુમાં વધુ 3840 મત આપી શકાતા હતા. જ્યારે નવી બનાવટના EVM (2006 પછીના મોડલ) માં મહત્તમ 2000 મતો સંગ્રહિત કરી શકાય છે. ચૂંટણી પંચ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, કંટ્રોલ યુનિટ પરિણામોને 10 વર્ષ કે તેથી વધુ સમય માટે તેની મેમરીમાં સ્ટોર કરી શકે છે.
મે 1982માં ભારતીય ચૂંટણીમાં પ્રથમ વખત ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેરળના પરુર વિધાનસભા ક્ષેત્રમાં 50 મતદાન મથકો પર EVM મશીનો દ્વારા ચૂંટણી યોજવામાં આવી હતી. જે બાદ એવી માંગ ઉઠી હતી કે ઈવીએમના ઉપયોગ અંગે કાયદામાં ચોક્કસ જોગવાઈ હોવી જોઈએ. આ અંતર્ગત ડિસેમ્બર 1988માં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951માં નવી કલમ 61A ઉમેરવામાં આવી હતી.