જંગલી જાનવરોને નિશાન બનાવીને તેનો શિકાર કરવાની ઘટનો અનેકવાર પ્રકાશમાં આવતી હોય છે. પશુ કે પંખીનો શિકાર કરીને તેના અંગો વેચીને કે શિકાર કરેલા જાનવરના મૃતદેહને જ વેચવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. પાકિસ્તાનથી ચીન ગધેડાના આયાત કરવામાં આવે છે. ગધેડાની ચામડીમાંથી પરંપરાગત દવાઓ બનાવવામાં આવે છે અને શક્તિવર્ધક માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો વાઘ અને ચિત્તાઓનો પણ શિકાર કરીને તેની ખાલ ઘરમાં શો પીસ તરીકે લગાડવામાં આવતો હતો, તો ઠંડાપ્રદેશમાં તેને ગરમ વસ્ત્ર તરીકે ઉપયોગ કરાતો હતો. હાથીના દાંત માટે પણ શિકાર થતો આવ્યો છે. જેમાંથી દવા અને શો પીસ તેમજ ઘરેણાં તૈયાર કરવામાં આવતા હતા.
ગુજરાતમાં આવી ટોળકીઓ સક્રિય જોવા મળતી હોય એમ ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ રીતે તાજેતરમાં તાપી જિલ્લામાં એક ઘટના સામે આવી છે. જ્યાં ટોળકી દ્વારા જંગલમાંથી ખૂંખાર જાનવર દીપડાનો શિકાર કરવામાં આવતો હતો. દીપડાનો શિકાર કરીને તેના અંગોનો ઉપયોગ જુગારમાં નસીબ અજમાવતી વખતે નસીબદાર થવા માટે પ્રયોગ કરતા હોય છે. જેને સામાન્ય સ્થાનિક લોકો કાળા જાદૂ તરીકે ઓળખતા હોય છે.
જિલ્લાના ખેરવાડા રેન્જ વિસ્તારમાંથી એક ગેંગને વન વિભાગે ઝડપી લીધી છે. 3, એપ્રિલ 2024 એ એક દીપડાના શિકાર થયેલ જાણવા મળ્યુ હતું. જેને લઈ વન વિભાગે તપાસ શરુ કરી હતી. જેની તપાસ દરમિયાન 6 આરોપીઓની ગેંગને વન વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવી છે. ગેંગની તપાસ શરુ કરવામાં આવી છે અને કોર્ટમાંથી ગેંગના છ સભ્યોને રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે. આ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે છે.
દીપડાનો શિકાર કરેલો હોવાનું નજર આવતા પ્રાથમિક તપાસમાં જ વન વિભાગના અધિકારીઓને જાણમાં આવ્યુ હતુ કે, તેના અંગો મૃતદેહમાંથી ગાયબ છે. મૃત દીપડાના ચારેય પગ, તેના જડબા સાથે દાંત અને મુંછના વાળ પણ તીક્ષ્ણ હથિયાર વડે કાપીને નિકાળી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ હતું. જેને લઈ વન વિભાગે તપાસ શરુ કરી હતી કે, આ પ્રકારે અંગો ગાયબ થવા પાછળ કોઇ ચોક્કસ ગેંગ હોવી જોઈએ. જેને લઈ આ દિશામાં ગેંગને શોધવા માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા.
વ્યારા ACF મીનલ સાવંતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, વન વિભાગે દીપડાના મૃતદેહને મળવાને લઈ તપાસ શરુ કરી હતી. શિકારી ગેંગે જ હત્યા કરીને અંગ ગાયબ કર્યા હોવાની તપાસ શરુ કરતા એક બાદ એક કડીઓ હાથ લાગી હતી. જે આરોપી શિકારીઓ સુધી દોરી ગઇ હતી. આમ છ જેટલા આરોપીઓ સુધી પહોંચવાની કડીઓ વન વિભાગને મળતા તે તમામની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ખેરવાડા રેંજદ્વારા આરોપીઓ સામે ગુનો રજીસ્ટર કરી ભારતીય વન અધિનિયમ-1927 ની વિવિધ કલમો તથા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની વિવિધ કલમો હેઠળનો શિકારનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓની ધરપકડ કરીને વન વિભાગે કોર્ટમાં રજૂ કરી તમામના રિમાન્ડ મેળવીને પૂછપરછ શરુ કરી હતી.
વન વિભાગના તપાસ કર્તા અધિકારી દ્વારા ગેંગની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સાથે જ આરોપીઓએ કેવી રીતે દીપડાની હત્યા કરી હતી અને શા માટે કરી એ તમામ સવાલોના જવાબ મેળવવા માટે પ્રયાસ કર્યા હતા. આ દરમિયાન એક આરોપી ફતેસિંહે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જેમાં તેણે દીપડાનો શિકાર કરીને તેના અંગનો ઉપયોગ શુ કરવામાં આવતો હતો એનો ખુલાસો કર્યો હતો.
રેંજ ફોરેસ્ટ ઓફિસર એચએમ જાદવે જણાવ્યુ હતુ કે, પૂછપરછમાં એક આરોપીએ ખુલાસો કર્યો છે કે, તે અંગને જુગાર માટે વાપરવામાં આવતા હતા. દીપડાનો શિકાર કરીને તેના અંગને જુગાર એટલે કે આંકડા માટે તેના કેટલાક અંગનો ઉપયોગ કરવામાં આવતો હતો. ફતેસિંહ વસાવા નામના એક આરોપીએ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા વાત જણાવી હતી. જેને લઈ હવે અમે આ દિશામાં પણ પૂરાવાઓ એકત્ર કરવાની તપાસ શરુ કરી છે. સાથે જ અન્ય આરોપીઓની પણ આ જ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. તેમની આ ખુલાસા સાથે જોડતી તપાસ કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન વન વિભાગ કડીઓ મળવાને આધારે ફતેસિંહ વસાવાના ઘરે પહોંચ્યું હતું. જ્યાં ટીમ પહોંચીને ઘર અને આસપાસમાં તપાસ કરતા ફતેસિંહના ઘરેથી દીપડાંના ગાયબ પૈકી કેટલાક અંગો મળી આવ્યા હતા. જેણે પૂછપરછમાં રિમાન્ડ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, તેઓ આંકડા માટે અંગોનો ઉપયોગ કરવામાં આવતો હતો.
જુગાર એટલે કે આંકડાને રમતી વેળા દીપડાની મૂછ કે તેના અંગોને પાસે રાખવામાં આવે તો ભાગ્યશાળી નિવડી શકે છે. એટલે કે જુગાર રમતા તે લકી સાબિત નિવડી શકે છે અને જુગારમાં જીત મેળવીને પૈસાની કમાણી કરી શકે છે. આમ માલામાલ થવાની કલ્પનાઓમાં રાચતા શિકારીઓ જુગારમાં પ્રાણીઓના અંગોને પોતાની પાસે રાખતા હોય છે. સ્થાનિક વિસ્તારમાં કાળા જાદૂ માટે પણ આવા અંગોનો ઉપયોગ થતો હોય છે, એમ મનાય છે. પરંતુ હાલ તો વન વિભાગે તમામ પાસાઓથી તપાસ કરવાની શરુઆત કરી છે.
જંગલી ખૂંખાર પ્રાણીનો શિકાર કરવો એ આસાન વાત નથી. તમે એમ વિચારતા હશો કે, બંદૂકની ગોળી મારીને કે તીરથી નિશાન તાકીને શિકાર કરવામાં આવતો હશે. પરંતુ શિકારી ટોળકીઓ હથિયાર કરતા ચાલાકીનો ઉપયોગ વધુ કરતા હોય છે. જેમ કે બંદૂક કે તીર કામઠાને બદલે મોટરસાયકલના કલચ કે બ્રેક વાયરના તારનો ઉપયોગ કરવામાં આવે છે.
આવા તાર વડે એક ફાસલો તૈયાર કરવામા આવે છે. જે ફાસલાને ઝાડી ઝાંખરામાં તૈયાર કરીને લગાડવામાં આવે છે. જે બાદ આસપાસના રસ્તાઓને બ્લોક કરી દેવામાં આવે છે. આ માટે પહેલાથી જ વિસ્તારમાં ફરીને રુટ નક્કી કરવામાં આવે છે. આ માટે દિવસોની મહેનત કરીને તે જાણવામાં આવે છે. બાદમાં ફાસલો ગોઠવવા માટે પોઈન્ટ નક્કી કરે છે. જેમાં દીપડા જેવા જંગલી પ્રાણી ફસાઈ જતા ગળામાં ગાળીયો કસાઈ જાય છે. જેમ છૂટવા માટે પ્રયાસ કરે એમ વધારે જ તે કસાય છે. આમ આખરે તે શિકારીઓની જાળમાં ફસાઈ જાય છે. તાપીમાં સામે આવેલી આ ઘટનામાં આવી જ રીતે ગાળીયો કસી શિકાર કરવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટસ મુજબ અગાઉ વર્ષ 2016માં પણ કાળા જાદૂ અને જૂગારના આંકડા માટે દીપડાંનો શિકાર કરવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ એક વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, આવી રીતે ડાંગ અને બારડોલી વિસ્તારમાં પણ ઘટના ઘટી હતી.
થોડાક સપ્તાહ પહેલા આ જ પ્રકારે ફાસલો તૈયાર કરીને દીપડાનો શિકાર કરવામાં આવ્યો હોવાની ઘટના સાબરકાંઠામાં સામે આવી હતી. જેમાં એક દીપડાનો શિકાર ટોળકીએ કર્યો હતો. જેમાં પણ તાપીની ઘટનાની જેમ જ ફાસલો તારથી તૈયાર કરીને ગોઠવવામાં આવ્યો હતો. જોકે તેમાં દીપડો ફસાયાની જાણ વન વિભાગને તુરત થતા તેને જીવતો બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે તે મોતને ભેટ્યો હતો. જેમાં વન વિભાગે શિકારી ટોળકીને ઝડપી લીધી હતી. જેની પણ તપાસ હાથ ધરાઈ છે કે, કયા હેતુથી દીપડાનો શિકાર કર્યો હતો.
તાંત્રિક વિધિ કરનારાઓ અને કાળા જાદૂ કરનારાઓ વિશે અનેક વાર સાંભળવામાં મળ્યુ હશે. જોકે જાણકારો મુજબ આ માત્ર એક મનોવૈજ્ઞાનિક હોય છે. જેમ તે કોઈ વ્યક્તિને ખોપડી કે પછી પ્રાણીઓના અંગો કે લોહી જેવું જોવા મળે તો વ્યક્તિને કારણવિનાનો ભયનો અહેસાસ કેટલીક વાર થતો હોય છે. જે માનસીક રુપે વ્યક્તિની તંદુરસ્તી પર નિર્ભર છે. જો કોઈને મનમાં તે ભય ઘર કરી જાય તો, તે માનસીક રીતે જ પરેશાન રહે છે અને નેગેટિવ વિચારોમાં રહે છે.
જેનાથી તેને કામમાં મન નથી લાગતું હોતુ અને આર્થિક રીતે ધીરે ધીરે પરેશાન થતો જાય છે. તેમજ બિમાર પણ પડી શકે છે. જેને લઈ માણસ પોતાની પર કાળા જાદૂની અસર હોવાનું માની બેસે છે. તો કેટલાક લોકો આંકડા-જુગાર માટે પણ કાલા જાદૂ જેવી વિધિ કરતા હોય છે. તો શત્રુ પર વિજય મેળવવા માટે પણ કાળા જાદૂ કરવામાં આવતું હોવાનું કહેવાય છે. જેમાં વ્યક્તિ સ્વંય પરથી કાબૂ ગૂમાવી દેતો હોવાનું માનવામાં આવે છે.
Published On - 5:37 pm, Mon, 15 April 24