ઉત્તરાખંડ IIT રૂરકીના વૈજ્ઞાનિકોને 2005માં ગુજરાતના કચ્છમાં કોલસાની ખાણમાંથી હાડપિંજરના 27 મોટા અવશેષો મળ્યા હતા. કેટલાક અવશેષો એક સાથે જોડાયેલા પણ જોવા મળ્યા હતા. 2005થી અત્યાર સુધી આ અવશેષોને વિશાળ મગર જેવા કોઈ જીવના અવશેષો હોઈ શકે એવું માનવામાં આવતું હતું. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે આ અવશેષો કરોડો વર્ષ પહેલા વિશ્વમાં જોવા મળતા સૌથી મોટા સાપના છે.
કચ્છની પાન્ધ્રો લિગ્નાઈટ ખાણમાંથી ખૂબ જ પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા. વૈજ્ઞાનિકોના મતે આ સાપ વિશ્વનો સૌથી મોટો સાપ હતો. આનાથી મોટો એનાકોન્ડા પણ નથી કે ડાયનાસોરના યુગમાં જોવા મળતા વિશાળ ડાયનાસોર T.Rex પણ નહોતો. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે આ સાપ લગભગ 4.70 કરોડ વર્ષ પહેલાં ભારતમાં જોવા મળતા હતા.
આ રિસર્ચ IIT રૂરકીના Palaeontologyમાં પોસ્ટડોક્ટરલ રિસર્ચર દેબાજીત દત્તા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, દત્તાએ જણાવ્યું હતું કે સાપના કદને જોતા વાસુકી ધીમી ગતિએ ચાલતો સાપ હતો અને તે તેના શિકાર પર ઝડપથી હુમલો કરતો હતો. તે તેના શિકાર પર એનાકોન્ડા અથવા અજગરની જેમ જ હુમલો કરતો હશો. અવશેષો પર સંશોધન Palaeontologyમાં કરવામાં આવે છે.
IIT રુરકીમાં Palaeontologyના પ્રોફેસર સુનીલ વાજપેયી દ્વારા 2005માં વાસુકી ઇન્ડિકસની શોધ કરવામાં આવી હતી. તેમને કચ્છમાં કોલસાની ખાણમાંથી આ અવશેષો મળ્યા હતા. અમેરિકાના લોકપ્રિય સાયન્સ મેગેઝિન સાયન્ટિફિક અનુસાર વાજપેયી માનતા હતા કે તે એક પ્રાચીન મગરના અવશેષો હોઈ શકે છે જેના વિશે દરેક જણ જાણે છે. પણ એવું નહોતું. જ્યારે દત્તાએ આ અવશેષો પર સ્ટડી કરી તો ખબર પડી કે તે સાવ અલગ જ પ્રજાતિનો સાપ હતો.
કદની દ્રષ્ટિએ વાસુકી ઇન્ડિકસ લુપ્ત થઈ ગયેલા ટાઇટેનોબોઆ કરતા મોટો હશે, જે સૌથી મોટો જાણીતો સાપ છે, જે 42 ફૂટ લાંબો હતો. વાસુકી ઇન્ડિકસની અંદાજિત લંબાઈ 36 થી 49 ફૂટ હશે. વૈજ્ઞાનિકોએ અનુમાન છે કે તેનું વજન 1 ટન અથવા 1,000 કિગ્રા જેટલું હોઈ શકે છે. હાલમાં અજગરને પૃથ્વી પરનો સૌથી લાંબો જીવ માનવામાં આવે છે જે 20થી 30 ફૂટ લાંબો હોય છે.
લંબાઈની દ્રષ્ટિએ સંશોધકોના મતે વાસુકી અત્યાર સુધીનો સૌથી મોટો સાપ હોઈ શકે છે કારણ કે તેની લંબાઈ ટાઇટેનોબોઆ કરતાં વધુ હોવાનો અંદાજ છે. જો કે, આ ભારતીય વાસુકીના દાઢના હાડકાનું કદ ટાઇટેનોબોઆ કરતા થોડું નાનું છે. તેનો અર્થ એ કે ટાઇટેનોબોઆ જાડાઈમાં મોટો હોઈ છે.
IIT Roorkee’s Prof. Sunil Bajpai & Debajit Datta discovered Vasuki Indicus, a 47-million-year-old snake species in Kutch, Gujarat. Estimated at 11-15 meters, this extinct snake sheds light on India’s prehistoric biodiversity. Published in Scientific Reports. #SnakeDiscovery pic.twitter.com/ruLsfgPQCc
— IIT Roorkee (@iitroorkee) April 18, 2024
વાસુકી નાગની કરોડરજ્જુનો સૌથી મોટો ભાગ સાડા ચાર ઈંચ લાંબો હોવાનું જાણવા મળ્યું છે અને વૈજ્ઞાનિકોના મતે વિશાળકાય સાપના ગોળાકાર શરીરની રચના લગભગ 17 ઈંચ જેટલી હશે. આ શોધમાં સાપનું માથું મળ્યું નથી. વાસુકીનો આહાર શું હશે તે અંગે વૈજ્ઞાનિકોને માહિતી મળી નથી. વાસુકી મેડાસોઇડ સાપના વંશનો જ સભ્ય હતો, જે લગભગ 90 મિલિયન વર્ષો પહેલા હતો અને લગભગ 12,000 વર્ષ પહેલા લુપ્ત થઈ ગયો હતો.
તમે વાસુકી નાગાની વાર્તા તો સાંભળી જ હશે. વાસુકીને શેષનાગનો ભાઈ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ જે નાગ પર બિરાજમાન છે તે શેષનાગ તરીકે ઓળખાય છે, જ્યારે ભગવાન શિવે પોતાના ગળામાં જે નાગ ધારણ કર્યો છે તે વાસુકી છે. જ્યારે સમુદ્રમંથન કરવામાં આવ્યું ત્યારે મેરુ પર્વત સાથે દોરડાને બદલે વાસુકી નાગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વાસુકી નાગની ઘણી કથાઓ છે, જે સનાતન ધર્મ સાથે સંબંધિત પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે. ગુજરાતમાં ખોદકામ દરમિયાન IIT રૂરકીના વૈજ્ઞાનિકોને એક વિશાળ જીવના અવશેષો મળી આવ્યા હતા. જેના અસ્તિત્વની હવે પુષ્ટિ થઈ છે. વૈજ્ઞાનિકોને કચ્છમાં જે અવશેષો મળ્યા હતા તે સૌથી મોટા સાપના છે. વૈજ્ઞાનિકો દ્વારા તેને વાસુકી ઈન્ડીકસ નામ આપવામાં આવ્યું છે.
પ્રોફેસર સુનીલ બાજપેયી કહે છે કે આ નામ પૌરાણિક કથાઓમાં ભગવાન શિવના ગળામાં વીંટળાયેલા સાપ વાસુકીના નામથી પ્રેરિત છે. બંને સાપ એકબીજા સાથે સંબંધિત નથી. સાપની લંબાઈ 11-15 મીટરની વચ્ચે હોઈ શકે છે. આ પ્રજાતિના સાપના અવશેષો ઉત્તર આફ્રિકામાં જોવા મળે છે.
તેમણે કહ્યું કે આજે લોકો તેને સમુદ્રમંથનવાળા વાસુકી નાગ સાથે જોડી રહ્યા છે. લોકોની આસ્થાનું સન્માન થાય છે, પરંતુ પ્રમાણિકતાના આધારે બંને વચ્ચે કોઈ સંબંધ નથી. વાસુકી માત્ર નામ રાખવા માટે આપવામાં આવ્યું છે. અવશેષોનો અભ્યાસ કરવામાં 6 મહિના લાગ્યા. આ સાપ અન્ય સાપ કરતા અલગ છે.
વાસુકી ઇન્ડિકસના હાડકામાં કેટલાક ખાસ પ્રકારના નિશાન જોવા મળ્યા છે, જે અન્ય સાપોમાં જોવા મળતા નથી. વાસુકી ઇન્ડિકસના કરોડરજ્જુના હાડકાં વચ્ચે નાના ખાડાઓ જોવા મળે છે. આ સાપમાં કેટલાક ખાસ અંગો જોવા મળ્યા નથી જે અન્ય સાપમાં જોવા મળે છે. જે તેને વધુ અલગ બનાવે છે. વૈજ્ઞાનિકોએ 22 હાડકાને કરોડરજ્જુના આગળના ભાગ સાથે જોડાયેલા બતાવ્યા છે, કારણ કે કરોડરજ્જુના પાછળના ભાગમાં જોવા મળતાં કોઈ ખાસ નિશાન જોવા મળ્યા નથી. કરોડરજ્જુની નીચેના હાડકાનો અમુક ભાગ સંપૂર્ણ રીતે વિકસિત નથી જે તેને વધુ અલગ બનાવે છે.
પ્રોફેસર સુનીલ વાજપેયીને જ્યાં અવશેષો મળ્યા તે ખનનો વિસ્તાર આજે સૂકો અને ધૂળથી ભરેલો છે. પરંતુ જ્યારે વાસુકી ઈન્ડીકસ પૃથ્વી પર હશે ત્યારે આ વિસ્તાર દલદલવાળો હતો. ન્યુ મેક્સિકો હાઈલેન્ડ યુનિવર્સિટીના જીવવિજ્ઞાનના પ્રોફેસર જીસસ રિવાસ કે જેઓ સાપનો અભ્યાસ કરે છે, તેમને શંકા છે કે વાસુકી ઈન્ડીકસને તેના મોટા કદને કારણે જમીન પર ઝડપથી આગળ વધવામાં મુશ્કેલી પડી હશે. જો કે, આ પ્રજાતિ પાણીમાં ઝડપથી આગળ વધી શકે છે.
વાસુકી ઈન્ડીકસની શોધથી વૈજ્ઞાનિકોને સમય સાથે ખંડ ભૌતિક રીતે કેવી રીતે બદલાયો છે તેની ઊંડી સમજ પણ મળી છે. તેમજ વિશ્વભરમાં પ્રજાતિઓ કેવી રીતે ફેલાય છે. તેની પણ જાણકારી મળી છે. લગભગ 5 કરોડ વર્ષ પહેલા ભારત એશિયા સાથે અથડાયું અને આ અથડામણના પરિણામે એક મુખ્ય જમીન માર્ગની રચના થઈ. આ જ બાબત છે જેણે આ સાપ અને અન્ય પ્રાગૈતિહાસિક પ્રાણીઓને માર્ગો પાર કરવામાં અને આખરે વિકસવામાં અને નવી પ્રજાતિઓ બનાવવામાં મદદ કરી.