ગુજરાતમાં લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાના કેસમાં ખૂબ મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યુ છે. ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો છે કે ઇમેઇલ પાછળ પાકિસ્તાનનો હાથ છે.
ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો છે કે ઇમેઇલ પાછળ પાકિસ્તાનનો હાથ છે અને ધમકીભર્યા ઇમેઇલ tauheedl@mail.ru પરથી આવ્યો છે. સમગ્ર કેસમાં ISIનો હાથ હોવાનું પણ પ્રાથમિક અનુમાન છે. રશિયન સર્વરનો ઉપયોગ કરી પાકિસ્તાનથી ઇમેઇલ મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે. લોકેશન પાકિસ્તાન આર્મી બેઝનું હોવાનું સામે આવ્યુ છે.
સમગ્ર મામલે સૌથી મોટો ખુલાસો તો એ થયો છે કે સ્કૂલોમાં ધમકીભર્યા મેઇલ થકી ચૂંટણીમાં ડર ફેલાવવાનો પાકિસ્તાની જાસૂસી સંસ્થાનો ઈરાદો હતો.વોટિંગ ઓછું થાય તે માટે ષડયંત્ર હતુ. અમદાવાદની 36 સ્કૂલોમાં ધમકીભર્યા ઈમેઈલ મોકલાવા મામલે પાકિસ્તાનની ફૈસલાબાદના આર્મી કેન્ટોમેન્ટના તાર ખુલ્યા છે. કાઉન્ટર ઈન્ટેલિજન્સના ઓફિસરનું નામ બદલીને વર્ચ્યુલ આઈડીથી મેઈલ મોકલાતા હતા.
માહિતી મળી રહી છે કે ISI અધિકારી તૌહિદ લિયાકત નામથી આઈડી બનાવતો હતો અને તેનાથી મેઈલ મોકલતો હતો. દિલ્હી, યુપી અને ગુજરાતમાં પણ પાકિસ્તાનથી જ ઇમેલ મોકલવામાં આવ્યો હતો. જે રાજ્યમાં ચૂંટણી હતી, ત્યાં આગલા દિવસે ધમકી ભર્યો ઈમેલ કર્યો હતો. ભારતમાં ચૂંટણી હોવાથી ભયનું વાતાવરણ ફેલાવવા ધમકી ભર્યો ઈમેઇલ કરાયો હતો.
શાળાઓમાં ધમકીભર્યા મેઇલ મળ્યા બાદ જ્યારે તપાસ શરુ કરવામાં આવી ત્યારે શરુઆતમાં આ મેઇલ કરવા માટે રશિયન સર્વરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી હતી. જો કે બાદમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટેકનીકલ ટીમ અને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં અલગ અલગ સાયબર ટુલ્સનો ઉપયોગ કરીને મેઇન મેઇલ મોકલનારા IP એડ્રેસને શોધવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે પછી આ કનેક્શન પાકિસ્તાનનું હોવાનું સામે આવ્યુ છે.
Published On - 11:09 am, Fri, 10 May 24