ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે હવે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસો હોવાથી કેન્દ્રમાંથી રાજકીય પક્ષોના દિગ્ગજો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતર્યા છે. રાહુલ ગાંધી આજે પાટણમાં પ્રગતિ મેદાનમાં જાહેરસભા સંબોધવાના છે અને ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરવાના છે.
પાટણમાં આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જાહેરસભા સંબોધશે. પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે રાહુલ ગાંધી આજે મતદારો પાસે મત માગશે. શહેરના પ્રગતિ મેદાન ખાતે રાહુલ ગાંધીની જાહેર સભાની તૈયારી પૂર્ણ થઇ ગઇ છે. પાટણમાં રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો , પૂર્વ ધારાસભ્ય , આગેવાનો સહિત INDIA ગઢબંઘનના નેતાઓ પણ હાજર રહેશે.
પાટણ ખાતે રાહુલ ગાંધીની જાહેરસભા 2017 બાદ એટલે કે 7 વર્ષ બાદ થતાં જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવી છે. તો જાહેર સભામાં રાહુલ ગાંધીના ભાષણ પર મતદારોનો મિજાજ પણ રહેશે.
ગઇકાલે સંઘપ્રદેશ દમણમાં રાહુલ ગાંધીની જાહેરસભા યોજાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેતન પટેલ માટે પ્રચાર કર્યો. રાહુલે દમણના પ્રશાસક પ્રફુલ પટેલને તેમના શબ્દોના બાણથી જાણે ધોઈ નાખ્યા હતા અને પ્રફુલ પટેલ પર એક બાદ એક ચાબખા મારતા જોવા મળ્યા હતા.
રાહુલ ગાંધીએ પીએમ મોદી અને પ્રફુલ પટેલ પર વાર કર્યો કે નરેન્દ્ર મોદીએ પ્રફુલ પટેલને રાજાની જેમ તમારા માથા પર બેસાડી રાખ્યા છે. પ્રફુલ પટેલ અહીંના પ્રશાસકની જેમ નહીં, રાજાની જેમ વર્તે છે. પહેલા આ કિલ્લામાં રાજા બેસતા એવી જ રીતે પ્રફુલ પટેલને બેસાડી દેવાયા છે. આ રાજાને દિલ્હીથી બેસાડવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યુ છે તમે રાજા છો જે કરવુ હોય તે કરી શકો છો. પ્રફુલ પટેલને લોકોના ઘર તોડવાની અને અન્ય તમામ છૂટ આપવામાં આવી છે. તેને અહીંથી ભગાડો અને કેતન પટેલને જીતાડો.
રાહુલ ગાંધીએ આરએસએસ અને ભાજપ પર પ્રહાર કર્યા. રાહુલે કહ્યુ લોકશાહી અને વિવિધ સંસ્થાઓનો નાશ થઈ રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે વાઈસ ચાન્સેલરના પદ પર આરએસએસના લોકોને નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે એ લોકોનું લક્ષ્ય છે કે સંવિધાનને કોઈને કોઈ રીતે ખતમ કરવામાં આવે.
રાહુલ ગાંધીએ કહ્યુ જો કેન્દ્રમાં તેમની સરકાર આવશે તો પ્રફુલ પટેલને અહીંથી આઉટ કરી દેવામાં આવશે. પ્રફુલ પટેલની દાદાગીરી ખતમ કરી દેવામાં આવશે. રાહુલે હળવા અંદાજમાં કહ્યુ કે મોદીજીએ તમારો મૂડ ખરાબ નાખ્યો છે તે હું ઠીક કરવા આવ્યો છુ. રાહુલ ગાંધીએ કહ્યુ ભાજપમાં એવા જ લોકો સામેલ છે જે અનામતની વિરુદ્ધ હતા. નરેન્દ્ર મોદી 20-22 અબજપતિઓની મદદ કરી રહ્યા છે. દમણમાં બનેલા સુંદર બીચ પર પણ અદાણીનું નામ હશે. એ ઈચ્છે છે કે અહીં પ્રવાસી આવે તો તમારો ફાયદો ન થાય. તમારા બીચ પર, ઍરપોર્ટ પર અદાણીનું નામ હોય. જે પણ અહીં વેચાય છે તે અદાણી અને અંબાણી વેચે અને તમે જોતા રહો.