સાબરકાંઠા લોકસભાની બેઠકનો શરુઆતથી જ રાજકીય નક્શા પર મહત્વનું સ્થાન ધરાવે છે. અહીં દેશના પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાથી લઈ સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણીબેન પટેલ પણ સાંસદ રહી ચૂક્યા છે. જોકે છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. જે અગાઉ કોંગ્રેસનો હતો. સાબરકાંઠા બેઠક પર 7 લાખ કરતા વધારે ઠાકોર, 2.50 લાખ જેટલા પાટીદાર તેમજ 60 હજાર ક્ષત્રિય રાજપૂત સમાજના મતદારો છે.
અત્યા સુધીમાં અહીં 19માંથી 11 વાર કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવી છે. જોકે વર્ષ 2009 થી કોંગ્રેસ માટે અહીં જીત નસીબ થઈ રહી નથી. કોંગ્રેસ માટે સાબરકાંઠાની બેઠક અગાઉ આસાન માનવામાં આવી રહી હતી. જેને લઈ પ્રદેશ કોંગ્રેસના નેતાઓની નજર પણ સાબરકાંઠા બેઠક પર રહેતી હતી. કારણ કે અહીંથી જીત આસાન બની શકે છે.
લોકસભામાં કોંગ્રેસનો સાબરકાંઠા બેઠક પર દબદબો જોવા મળતો હતો. પરંતુ કોંગ્રેસ માટે હવે સાબરકાંઠા બેઠક મુશ્કેલ સાબિત થઈ રહી છે. છેલ્લે વર્ષ 2004 માં કોંગ્રેસે વિજય પતાકા સાબરકાંઠામાં લહેરાવી હતી. જોકે ત્યારબાદ સતત ભાજપનો કેસરીયો ઝંડો લહેરાવા લાગ્યો છે. વર્ષ 2009માં ભાજપે ડો મહેન્દ્રસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા હતા. કોંગ્રેસ તરફથી ઉમેદવાર દિગ્ગજ નેતા મધુસૂદન મિસ્ત્રી હતા. તેઓ ત્રીજી વાર ઉમેદવાર રહ્યા હતા. ડો ચૌહાણે તેમને પરાજીત કરીને ભાજપને બે દાયકા બાદ આ બેઠક પર જીત અપાવી હતી. જે ઇતિહાસમાં અહીં બીજી વાર જીત મળી હતી.
બસ ત્યારબાદ ભાજપે આ બેઠક પર પકડ મજબૂત કરી લીધી છે. વધતા જતા ક્ષત્રિય ઠાકોરના પ્રભાવને લઈ ભાજપે 2014માં સિટીંગ સાંસદને કાપીને ક્ષત્રિય ઠાકોર દીપસિંહ રાઠોડને ટિકિટ આપી હતી. પૂર્વ ધારાસભ્ય દીપસિંહ સામે કોંગ્રેસે શંકરસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા હતા. પરંતુ સામાજીક સમીકરણમાં ભાજપ આગળ રહ્યુ હતુ. જેને લઈ દીપસિંહ જાયન્ટ કીલર સાબિત થઈને શંકરસિંહને હરાવીને ભાજપની બેઠક જાળવવામાં સફળ રહ્યા હતા. 2019માં ફરીવાર ભાજપ સમીકરણની બાજી ખેલવામાં સફળ રહ્યુ અને સળંગ ત્રીજીવાર સાબરકાંઠામાં જીત મેળવી હતી. હવે ચોથીવાર ભાજપનો દાવ કેવો રહેશે એની પર સૌની નજર છે.
દીપસિંહ શંકરસિંહ રાઠોડ સામે કોંગ્રેસે 2019માં રાજેન્દ્રસિંહ શિવસિંહ ઠાકોરને મેદાને ઉતાર્યા હતા. મોડાસાના તત્કાલીન ધારાસભ્યને મેદાને ઉતારીને કોંગ્રેસ ઠાકોર મતોમાં વિભાજન કરવાના પ્રયાસમાં હતું. પરંતુ ભાજપને સામાજિક સમીકરણ અને માહોલ સહિતનો ફાયદો થયો હોવાનું માનવામાં આવે છે. જેને લઈ ભાજપે ફરી એકવાર જીત હાંસલ કરી હતી. દીપસિંહને 7.1 લાખ મત અને રાજેન્દ્રસિંહ ઠાકોરને 4.32 લાખ મત મળ્યા હતા. આમ 2.70 લાખ મતોથી ભાજપનો વિજય થયો હતો.
બેઠકની જાતિગત સમીકરણની સ્થિતિ જોવામાં આવે તો અહીં ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારોનો પ્રભાવ વધારે જોવા મળી રહ્યો છે. અહી ઠાકોર મતદારો 7 લાખ કરતા વધારે છે. જ્યારે ક્ષત્રિય રાજપૂત સમાજના મતદારો 60 હજારની આસપાસ છે. સૌથી વધુ મતદારોની સંખ્યામાં બીજા ક્રમે આદિવાસી મતદારો છે, બેઠક પર 4 લાખ મતદારો છે. જ્યારે ત્રીજા ક્રમે પાટીદાર મતદારો છે, જેમની સંખ્યા અઢી થી પોણા ત્રણ લાખ આસપાસ થવા જાય છે. આમ આ બેઠક પર ઓબીસી ઠાકોર સમાજનુ પ્રભુત્વ રહેલું છે. જેને લઈ અહીં હવે ઓબીસી ઠાકોર મતદારોને ધ્યાને રાખીને ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હોય છે.
Published On - 4:30 pm, Wed, 13 March 24