ગુજરાતનું ભાગ્યે જ કોઈ એવું ગામ હશે કે જ્યાં પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી નહીં હોય. એ જ રીતે રાજપૂત સમાજનું આંદોલન પણ હવે રાજકોટ અને સૌરાષ્ટ્ર પૂરતું નહીં, પરંતુ દેશ વ્યાપી બનવા જઈ રહ્યું છે. રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણી અને ત્યારબાદ તેના પ્રત્યાઘાતો સરકારની ચિંતા વધારી દીધી છે.
ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી પ્રબળમાં કરી રહ્યું છે. બીજી તરફ ભાજપ રૂપાલાને ઉમેદવાર તરીકે ચાલુ રાખવા માટે મક્કમ છે. એક તરફ ક્ષત્રિય સમાજ તેની માંગને લઈને અડગ છે તો બીજી તરફ હવે આ વિવાદમાં પાટીદાર સમાજએ પરશોત્તમ રૂપાલાને સમર્થન આપીને સરકારની ચિંતામાં વધારો કર્યો છે. સૌરાષ્ટ્ર પહેલેથી જ ક્ષત્રિયો અને પાટીદારો આમને સામને હતા. તેવામાં આ મુદ્દાને લઈને બંને આમને સામને આવી જતા વર્ગવિગ્રહની સ્થિતિ ઊભી ન થાય તે સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ.
પાટીદાર અનામત આંદોલનમાં જે પેટર્ન જોવા મળી હતી તેજ પેટર્ન ક્ષત્રિય આંદોલનમાં પણ જોવા મળી રહી છે.પાટીદાર અનામત આંદોલનમાં આંદોલન સમિતિ દ્વારા સરકાર સમક્ષ મુખ્યમંત્રી સ્થળ પર આવેદનપત્ર સ્વીકારવા આવે તેવી જીદ હતી અને જેની સામે સરકાર અડગ હતી. જે બાદ આ આંદોલન ઉગ્ર બની ગયું હતું. ક્ષત્રિય સમાજના આંદોલનમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે,એક તરફ ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાની દાવેદારી રદ કરવાની માગ કરી રહ્યું છે. જેની સામે સરકાર પરશોત્તમ રૂપાલાને નહીં બદલવા માટે અડગ છે અને જેના કારણે જ આ આંદોલન હવે રાજ્ય વ્યાપી અને ત્યાંથી દેશ વ્યાપી બની રહ્યું છે.
સામાજિક આંદોલનથી રાજકીય નુકસાન સ્વભાવિક જોવા મળતું હોય છે.પાટીદાર અનામત આંદોલનના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ત્યારબાદ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન થયું હતું. જો કે ત્યારબાદ રાજકીય પરિસ્થિતિઓ બદલાઇ અને ભાજપ પાટીદાર સમાજને પોતાના તરફ આકર્ષવામાં સફળ રહ્યું.જો ક્ષત્રિય સમાજની માગને લઇને હવે ભાજપ માટે ચિંતા જરૂર ઉભી થઇ છે. ક્ષત્રિય સમાજની બહુમતી ધરાવતી 8 લોકસભાની બેઠકો છે. જેમાં ક્ષત્રિય સમાજની વસ્તી વધારે છે, પરંતુ તેઓ નિર્ણયક ભુમિકામાં નથી.
જો આ આંદોલન દેશવ્યાપી થાય તો દેશમાં 22 કરોડ ક્ષત્રિયો છે. જેના કારણે ભાજપને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં ભાજપને નુકસાન થઇ શકે છે.
હવે આ મુદ્દો બે સમાજ માટે વર્ચસ્વની લડાઇ બની જાય તો નવાઇ નહિ.એક તરફ ક્ષત્રિય સમાજ માંગ ટિકીટ રદ્દ કરવાની માંગ કરી રહ્યો છે બીજી તરફ હવે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદારો મેદાને આવ્યા છે. પાટીદાર સમાજ સોશિયલ મિડીયામાં અને ગુપ્ત બેઠક કરીને સમર્થન આપી રહ્યા છે જેના કારણે ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે જો ટિકીટ કપાઇ તો પાટીદારો નારાજ થાય અને જો ન કપાઇ તો ક્ષત્રિય સમાજ નારાજ થાય.જે ભાજપને રાજકીય રીતે પરવડે તેવું નથી જેના કારણે જ ભાજપ બરાબરનું ફસાયું છે.
જન સંઘ વખતથી સૌરાષ્ટ્ર આંદોલનનું એપી સેન્ટર બન્યું છે.પાટીદાર અનામત આંદોલનની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી અને રાજકીય નુકસાન પણ સૌરાષ્ટ્રમાં થયું હતું.ક્ષત્રિય આંદોલન પણ રાજકોટમાં જ વેગવંતુ બન્યું હતું ત્યારે ફરી સૌરાષ્ટ્ર ચર્ચામાં છે.એમાં પણ સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય અને પાટીદારોમાં મનમેળને લઇને પાતળી દિવાલ છે ત્યારે આ મુદ્દાને કારણે દિવાલમાં તિરાડ ન પડે અને વર્ગ વિગ્રહ ન પડે તે ભાજપ અને બંન્ને સમાજના મોભીઓ માટે ચિંતાનો વિષય હોય શકે છે.
હાલ આ મુદ્દો દિલ્લીના દરબારમાં પહોંચી ગયો છે.પહેલાથી જ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર,જુનાગઢ,અમરેલીમાં અને સાબરકાઠાં તથા વડોદરામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.ભાજપ માટે જો એક સીટ પર ઉમેદવાર બદલે તો ભાજપને ડર છે કે અન્ય લોકસભા બેઠકમાં પણ વિરોધ ઉભો થાય તો ભાજપની મુશ્કેલી વધી શકે છે ત્યારે ભાજપ આ અંગે બુદ્ધિપૂર્વક નિર્ણય લઇ શકે છે અને કુનેહપૂર્વક આ વિવાદનો અંત લાવવા મથી રહ્યું છે.