મહાદેવ એપ કૌભાંડ કેસના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દુબઈ પોલીસે સૌરભ ચંદ્રાકરની અટકાયત કરીને પોતાની દેખરેખ હેઠળ રાખ્યો છે. ચંદ્રાકરને દુબઈના એક ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યો છે. સૌરભ ચંદ્રાકરના પ્રત્યાર્પણની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની વિનંતી પર ઇન્ટરપોલે મુખ્ય આરોપી સૌરભ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ અનુસાર, સૌરભ ચંદ્રાકર અને અન્ય પ્રમોટર રવિ ઉપ્પલ યુનાઈટેડ આરબ અમિરાતની સેન્ટ્રલાઈઝ્ડ ઓફિસમાંથી મહાદેવ સટ્ટાબાજીની એપનું સંચાલન કરતા હતા. આ સાથે મની લોન્ડરિંગ અને હવાલા દ્વારા ભારતમાં નાણાંની લેવડ-દેવડ પણ થતી હતી. તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના જણાવ્યા અનુસાર મહાદેવ એપ કૌભાંડ લગભગ 6000 કરોડ રૂપિયાનું છે. તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના કહેવા પર ઈન્ટરપોલે આરોપી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.
મહાદેવ એપને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે અનુસાર, મહાદેવ એપ ઓપરેટ કરનાર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ પાકિસ્તાનમાં ડી-કંપનીને સપોર્ટ કરતા હતા. તપાસમાં એવુ પણ સામે આવ્યું છે કે ડી કંપનીના કહેવા પર સૌરભ ચંદ્રકરે દાઉદ ઈબ્રાહિમના ભાઈ મુસ્તાકીમ ઈબ્રાહીમ કાસકર સાથે મળીને એપ ઓપરેટ કરી હતી અને આ એપ બનાવી હતી.
ભારત સરકારે મહાદેવ બુક સહિત ગેરકાયદેસર સટ્ટાબાજીની 22 એપ અને વેબસાઇટ્સ સામે મોટી કાર્યવાહી કરી હતી. સરકારે આ તમામ એપ અને વેબસાઈટને બ્લોક કરી દીધી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા કરાયેલી વિનંતી બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. તેની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે આ એપ્સના સંચાલનને ગેરકાયદેસર જાહેર કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિનામાં જ દેશભરમાંથી 12 લાખથી વધુ લોકો મહાદેવ એપ સાથે જોડાયા હતા. આ એપના માધ્યમથી લોકો ક્રિકેટથી માંડીને ચૂંટણીમાં મતદાન સુધીની દરેક વસ્તુ પર સટ્ટો લગાવતા હતા. આ કૌભાંડમાં બોલિવૂડની મોટી હસ્તીઓના નામ પણ સામે આવ્યા હતા. આ અંગે અનેક બોલિવૂડની હસ્તીઓને સમન્સ મોકલવામાં આવ્યા હતા. ફિલ્મ સ્ટાર્સે આ એપનું પ્રમોશન કર્યું હતું. જેના પગલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી.