અમદાવાદના બોડકદેવમાં માસૂમ બાળક પર અમાનુષી અત્યાચારની ઘટના સામે આવી છે. જેમા સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ અત્યાચાર ગુજારનારાઓમાં ખુદ બાળકના પિતા પણ સામેલ છે. બાળકના દાદાએ હાલ અત્યાચાર ગુજારનાર તેની સાવકી માતા અને તેના દીકરા સામે પણ ફરિયાદ નોંધાવી છે.
બાળકના પિતા પહેલી પત્નીને છૂટાછેડા આપી બીજી પત્નીના ઘરે ઘર જમાઈ તરીકે રહેવા લાગ્યો જ્યાં બીજી પત્ની તેમજ તેના માતા પિતા બાળકને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જોકે થોડા મહિના પહેલા દીકરાના નાની દીકરાને દાદાના ઘરે મૂકીને ચાલ્યા ગયા. જે બાદ સમગ્ર હકીકત ખ્યાલ આવતા આખરે દાદાએ તેના દીકરા અને નવી પત્ની સહિત અન્ય લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મેડિકલ રિપોર્ટના આધારે ફરિયાદ લઈને આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી છે.
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે તેના પૌત્રને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવી છે. દાદાએ પોતાના પૌત્રનાં પિતા, સાવકી માતા તેમજ માતાના પરિવારજનો દ્વારા શરીરના અનેક જગ્યાઓ પર ડામ આપ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના મોટા દીકરાએ પહેલી પત્નીને છૂટાછેડા આપી અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા અને દીકરો પૌત્ર સાથે નવી પત્નીના ઘરે જ ઘર જમાઈ તરીકે રહેતો હતો. જ્યાં આ છ વર્ષના બાળકને ગરમ ચીપિયાથી શરીરમાં ડામ આપવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે.
એટલું જ નહિ પણ બાળકના ગુપ્તાંગમાં પણ ઈજાઓ પહોંચાડવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. બાળકના મેડિકલ રિપોર્ટને આધારે બોડકદેવ પોલીસ મથકમાં બાળકના પિતા, સાવકી માતા અને તેના પરિવાર વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. દાદાના મોટા પુત્રના લગ્ન 2015માં થતાં હતા અને બાદમાં વર્ષ 2021માં છૂટાછેડા થયા હતા. દીકરાને અન્ય યુવતી સાથે પ્રેમ સબંધ હોવાથી તેણે છૂટાછેડા આપી નવી પત્ની સાથે તેના ઘરે રહેવા લાગ્યો હતો.
દાદાના આક્ષેપ મુજબ નવી પત્નીએ પુત્રની કરોડો રૂપિયાની મિલકતો પચાવી પોતાના નામે કરાવી લીધી છે. દાદાએ મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા છે કે શાહીબાગ પોલીસ મથકમાં અનેક વખત ધક્કા ખવડાવતા આવ્યા પણ તેની ફરિયાદ નોંધવામાં આવી નહિ. ચાઈલ્ડ વલ્ફેર કમિટી દ્વારા સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી અને બાદમાં બોડકદેવ પોલીસ મથકમાં દાદાની ફરિયાદ નોંધાઇ છે.
સમગ્ર કેસ મામલે પોલીસે પણ બાળક નું કાઉન્સિલિંગ કરી સમગ્ર હકીકતની જાણકારી મેળવી હતી જે બાદ મેડિકલ રિપોર્ટના આધારે બાળકના પિતા અને અન્ય સભ્યો સામે ફરિયાદ નોંધી છે. હાલ તો પોલીસે તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જોકે આ પ્રકારની પારિવારિક કંકાસનો ભોગ એક નિર્દોષ બાળક બન્યો જે એક શરમજનક બાબત કહેવાય.
Published On - 2:28 pm, Tue, 14 May 24