અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જઇ રહેલા જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના બની છે. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ જાનૈયાઓની તબિયત લથડી હોવાનું સામે આવ્યુ છે, વરરાજા અને કન્યાની હાલત પણ ખરાબ થઇ હોવાનું સામે આવ્યુ છે. ગંભીર સ્થિતિવાળાને હાલ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટના કઇક એવી છે કે મોડી રાત્રે લગ્ન સમારંભ પૂરો કરીને જાનૈયાઓ અમદાવાદથી રાજપીપળા પરત જઇ રહ્યા હતા. રસ્તામાં નડિયાદ ટોલબુથ પાસે અચાનક જ મોટાભાગના જાનૈયાઓને ઝાડા-ઊલ્ટીની સમસ્યા શરુ થઇ ગઇ હતી. બસમાં સવાર તમામ પૈકી 10 લોકોની સ્થિતિ તો અત્યંત ગંભીર થઇ ગઇ હતી. જેના પગલે તાત્કાલિક 108ની ટીમને બોલાવવામાં આવી હતી.
ગંભીર સ્થિતિ વાળા લોકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામને સારવાર આપતા ફૂડ પોઇઝનિંગ થયુ હોવાની જાણ થઇ હતી. આ ઘટનામાં કન્યાની તબિયત પણ અત્યંત ખરાબ થઇ હતી,તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તબીબના જણાવ્યા પ્રમાણે સારવાર આપ્યા પછી તમામ લોકોની હાલ તબિયત સ્થિર છે. તમામની તબીયત સુધારા પર છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો