IIM બેંગ્લોર મેનેજરો, મિડ-સિનિયર અને સિનિયર લીડર માટે લીડરશિપ કોચિંગમાં પ્રમાણપત્ર કાર્યક્રમ સાથે આવી રહ્યું છે. આ 9 મહિનાના સમયગાળાનો પાર્ટ-ટાઈમ પ્રોગ્રામ હશે, જે ખાસ કરીને મેનેજરો અને નેતાઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. જેઓ તેમની કોચિંગ સ્કિલને સુધારવા માંગે છે.
IIM બેંગલુરુ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોગ્રામ મેનેજર અને લીડર્સને તેમની ટીમોમાં પ્રેરણા અને ક્ષમતાઓને સુધારવામાં, સ્થિતિસ્થાપકતા વધારવા અને ઉચ્ચ પ્રદર્શન પ્રાપ્ત કરવા સક્ષમ બનાવશે. આ પ્રોગ્રામ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી છે. આ કાર્યક્રમ 1 એપ્રિલથી શરૂ થશે અને 11 ડિસેમ્બર સુધી ચાલશે. ચાલો જાણીએ કે આપણે લીડરશિપ કોચિંગ પ્રોગ્રામમાં શું શીખવવામાં આવશે.
લીડરશિપ કોચિંગ પ્રોગ્રામને ત્રણ મોડ્યુલમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ મોડ્યુલ કોચિંગના સાર અને વ્યક્તિગત પ્રભાવશીલતાને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજું મોડ્યુલ કોચિંગ સ્કિલની પ્રેક્ટિસ અને વિસ્તાર પર ધ્યાન આપશે, જ્યારે અંતિમ મોડ્યુલ સહભાગીઓ તેમના ‘કોચિંગ મસલ્સ’ને વ્યવહારિક રીતે બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ કોર્સ IIM બેંગ્લોરના કેમ્પસમાં અને ઓનલાઈન કરવામાં આવશે. ઇન્ટરેક્ટિવ સત્રો અને કેસ સ્ટડીઝ દ્વારા, સહભાગીઓ લીડરશિપ કોચિંગની વાસ્તવિક દુનિયાની જટિલતાઓની ઊંડી સમજ મેળવશે. આ ઉપરાંત તેમને સમાન વિચાર ધરાવતા વ્યાવસાયિકો સાથે તેમનું નેટવર્ક વિસ્તારવાની તક પણ મળશે.
સહભાગીઓને લીડરશિપ કોચિંગની ટ્રેનિંગ IIM બેંગ્લોરના નિષ્ણાંતો અને લીડરશિપ ધેટ વર્ક્સ (LTW)ના કોચ પાસેથી મેળશે. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી સહભાગીઓને IIMB EEP ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો દરજ્જો આપવામાં આવશે. વધુમાં આ પ્રમાણપત્ર કોર્સ તેમને ICF પ્રમાણિત ACC-લેવલની કોચ માન્યતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. કાર્યક્રમની ફી 7 લાખ 40 હજાર રૂપિયા છે.
કર્મચારીઓ અને ટીમોને કોચિંગ આપવું એ એક મહત્વપૂર્ણ મેનેજમેન્ટ અને લીડરશિપ સ્કિલ છે. પ્રોગ્રામ ડાયરેક્ટર પ્રોફેસર દેબોલીના દત્તાએ જણાવ્યું હતું કે, “કોર્સ સહભાગીઓને તેમની સંસ્થાઓમાં કોચિંગ-આધારિત લીડરશિપ કલ્ચર બનાવવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.”
ચીફ પ્રોગ્રામ ઓફિસર પાર્થસારથી એસએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ મેનેજરો અને લીડરો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. જેઓ તેમની કોચિંગ સ્કિલને વધારવા અને તેમની ટીમની સંપૂર્ણ ક્ષમતાને અનલોક કરવા માંગે છે. ‘એક પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે, IIM બેંગ્લોર ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે અને અમને વિશ્વાસ છે કે આ કાર્યક્રમ સહભાગીઓના પ્રોફેશનલ અને પર્સનલ ડેવલોપમેન્ટમાં કામ આવશે.’