ટાટા સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નેશનલ બિઝનેસ હેડ વિનય ત્યાગીની ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લાશને સાહિબાબાદ વિસ્તારના રાજેન્દ્ર નગર વિસ્તારમાં એક નાળામાં ફેંકી દીધી હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. આ ઘટના શાલીમાર ગાર્ડન વિસ્તારમાં બની હતી.
મળતી માહિતી મુજબ શુક્રવારની રાત્રે 40 વર્ષીય વિનય ત્યાગી તેમના ઘર પાસે ઘાયલ અવસ્થામાં પડેલો જોવા મળ્યો હતો. તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ACP સિદ્ધાર્થ ગૌતમે જણાવ્યું કે પોલીસને સવારે ઘટનાની જાણકારી મળી. ત્યાગી એક ખાનગી પેઢીમાં નોકરી કરતા હતા. વિનય શુક્રવારે સાંજે ઓફિસેથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેના પર હુમલો થયો હતો.
વિનય ત્યાગીએ તેની પત્નીને મોબાઈલ લોકેશન મોકલ્યું હતું અને તેને રાજેન્દ્ર નગર મેટ્રો સ્ટેશનથી રિસીવ કરવાનું કહ્યું હતું. જ્યારે પત્ની મેટ્રો સ્ટેશન પર પહોંચી તો ત્યાગી ત્યાં જોવા મળ્યા ન હતા. ફોન કર્યો ત્યારે કોઈ જવાબ મળ્યો ન હતો. ACPએ કહ્યું કે પરિવારના સભ્યોનું કહેવું છે કે ત્યાગીનો મોબાઈલ અને લેપટોપ ગાયબ છે.
મૃતક વિનય ત્યાગી દિલ્હીમાં ટાટા સ્ટીલમાં નોકરી કરતો હતો. તે રોજ મેટ્રોમાં આવતો-જતો. લગભગ એક મહિના પહેલા તેની કોલકાતાથી દિલ્હી બદલી કરવામાં આવી હતી. તે દરરોજ રાત્રે 10 વાગે ઘરે પરત ફરતો હતો. મૃતક વિનયના પિતા બિશમ્બર સિંહ ત્યાગીએ જણાવ્યું કે વિનયે રાત્રે ફોન કર્યો હતો અને રિસીવ કરવાનું કહ્યું હતું, પરંતુ તેણે પોતે થોડા સમય પછી ફરી ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે ઘરે પહોંચી જશે. મોડે સુધી તે ઘરે પરત ન ફરતાં અને તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
સમગ્ર વિસ્તારમાં લાંબી શોધખોળ બાદ વિનય એક નાળામાં લોહીલુહાણ હાલતમાં પડેલો મળી આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ પછી પોલીસને 112 પર ફોન કરીને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે મૃતકનો મોબાઈલ અને પર્સ પણ ગાયબ છે. આવી સ્થિતિમાં કોઇ લૂંટની ઘટના બની હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે ઘટના અંગે 3 ટીમો બનાવી છે. કહ્યું કે ટૂંક સમયમાં કેસનો ઉકેલ આવશે.