બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા બે આરોપીઓની સોમવારે ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના મસીહીના 24 વર્ષીય વિકી સાહેબ ગુપ્તા અને 21 વર્ષીય સાગર શ્રીજોગેન્દ્ર પાલ તરીકે થઈ છે.
મળતી માહિતી મુજબ, રવિવારે મુંબઈના બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર થયેલી ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓની ગુજરાતના ભુજ જિલ્લામાંથી પોલીસે ધરપકડ કરી લીધી છે અને આજે એટલે કે 16 એપ્રિલે સવારે તેઓને મુંબઈ લાવવામાં આવશે.
વાસ્તવમાં, રવિવારે સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ, બાંદ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બાઇક પર સવાર બે લોકોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું અને સ્થળ પરથી ભાગી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, જ્યારે ફાયરિંગ થયું ત્યારે સલમાન ખાન તેના ઘરે હાજર હતો. આ ઘટનામાં કોઈને ઈજા કે કોઈનું મોત થયું નથી.
અધિકારીઓને જાણવા મળ્યું કે ગોળીબાર પછી, આરોપીઓ તેમની બાઇકને એક ચર્ચ પાસે છોડીને ચાલ્યા ગયા હતા અને બાંદ્રા રેલવે સ્ટેશન પહોંચવા માટે ઓટોરિક્ષા લીધી હતી. ત્યારબાદ તેઓ સાંતાક્રુઝ સ્ટેશને જવા માટે ટ્રેનમાં ચડ્યા અને આગળ જવા માટે બીજી ઓટો-રિક્ષા ભાડે કરી હતી. લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ ઘટનાની જવાબદારી લીધી હતી.
જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને વોન્ટેડ ગેંગસ્ટર ગોલ્ડી બરારે સલમાન ખાનને મારવાની ઘણી વખત જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બિશ્નોઈ અને બરારે અભિનેતાને મારવા માટે તેમના શૂટર્સ મુંબઈ મોકલ્યા હતા. લોરેન્સ બિશ્નોઈની ગેંગ 1998ના કાળિયાર શિકારના કેસને કારણે સલમાન ખાનને નિશાન બનાવી રહી છે. બિશ્નોઈ સમુદાયમાં કાળા હરણને પવિત્ર માનવામાં આવે છે.
Published On - 6:24 am, Tue, 16 April 24