પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, વિજય વર્મા, રસિકા દુગ્ગલ અને શ્વેતા ત્રિપાઠી અભિનીત વેબ સિરીઝ મિર્ઝાપુર 3 ની પ્રથમ ઝલક સામે આવી છે. એમેઝોન પ્રાઇમ વીડિયોએ મંગળવારે તેના આગામી પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. આગામી દિવસોમાં પ્રાઇમ વીડિયો પર લગભગ 70 ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થશે. પ્રાઇમ વીડિયોએ તેના પ્રોજેક્ટ્સનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં મિર્ઝાપુરની ત્રીજી સિઝનની ઝલક પણ બતાવવામાં આવી છે.
ફેન્સ લાંબા સમયથી પંકજ ત્રિપાઠી અને અલી ફઝલની મિર્ઝાપુરની ત્રીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. આ સિરીઝની પહેલી સિઝન 2018માં અને બીજી સિઝન 2020માં રિલીઝ થઈ હતી. જો કે ત્રીજી સિઝન માટે ફેન્સને લાંબો સમય રાહ જોવી પડી રહી છે. હવે નિર્માતાઓએ તેની ત્રીજી સીઝનની પ્રથમ ઝલક બતાવી છે.
પ્રાઇમ વીડિયોના આ લેટેસ્ટ વીડિયોમાં પંકજ ત્રિપાઠી એટલે કે કાલીન ભૈયાની ઝલક બતાવવામાં આવી છે. ધોધના કિનારે ઊભા રહીને કાલીન ભૈયા કહે છે, “તમે અમને ભૂલ્યા નથી ને.” વીડિયોમાં અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, વિજય વર્મા અને ઈશા તલવાર જેવા કલાકારોની ઝલક પણ જોવા મળે છે.
વીડિયોની શરૂઆતમાં અલી ફઝલનું પાત્ર ગુડ્ડુ પંડિત બતાવવામાં આવ્યો છે. ગુડ્ડુ પંડિત તેના ભયાનક અંદાજમાં લોકોને કહે છે, “શહેર આપણને શું કહે છે?” જેના જવાબમાં સામે ઉભેલી ભીડ કહે છે, “ગુડ્ડુ ભૈયા.”
તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2022માં જ અલી ફઝલે જાહેરાત કરી હતી કે મિર્ઝાપુર 3નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. જો કે હવે તેની રિલીઝનો ગણગણાટ સાંભળવા મળ્યો છે. પ્રાઈમ વીડિયોની ઈવેન્ટમાં અલી ફઝલે કહ્યું કે, ત્રીજી સીઝન પણ પહેલી સીઝનની જેમ જ હશે. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે, આ સિઝનમાં કેટલાક નવા પાત્રો જોવા મળશે અને કેટલાક જૂના પાત્રોની વાર્તાનો અંત આવશે.