અમદાવાદની આશ્રમ રોડ સ્થિત આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલનું બિલ્ડીંગ 86 વર્ષ જુનુ છે અને શાળા પ્રશાસન દ્વારા બિલ્ડીંગનો સ્ટ્રક્ચર રિપોર્ટ કરાવતા બિલ્ડીંગ ભયજનક હોવાનુ વિદ્યાર્થીઓના વાલીઓને જણાવવામાં આવ્યુ હતુ. જેના પગલે બાળકોનો આગળનો અભ્યાસ ખાનપુર સ્થિત આવેલી શાળામાં કરવા માટે જણાવાયુ હતુ. જેને લઈને વાલીઓ રોષે ભરાયા હતા.
જે બાદ વાલીઓએ DEOને રજૂઆત કરતા DEO દ્વારા તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી હતી. જેમા શાળા દ્વારા સ્કૂલ જર્જરીત થઈ હોવાની રજૂઆત કરાઈ હતી. જ્યારે વાલીઓની રજૂઆત બાદ R & B દ્વારા તપાસ કરાવાઇ હતી. આ રિપોર્ટમાં ખૂલાસો થયો છે કે સ્કૂલની ઈમારત વિદ્યાર્થીઓ માટે બેસવા યોગ્ય છે. કાર્યપાલક ઇજનેરે રિપોર્ટમાં બિલ્ડીંગમાં શૈક્ષણિક કાર્ય શક્ય હોવાનું દર્શાવ્યુ છે. આ અંગે હવે ગાંધીનગર વર્તુળ કચેરીને જાણ કરી સ્ટ્રક્ચર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
આ અગાઉ શાળાએ ખાનગી ઈજનેરનો સ્ટ્રક્ચર રિપોર્ટ રજૂ કરી શાળાનું બિલ્ડીંગ બદલવા માટે અરજી કરી હતી. જેને લઈને 2 હજાર વિદ્યાર્થિનીઓ જ્યાં અભ્યાસ કરે છે તેમને આગળનો અભ્યાસ ખાનપુર સ્થિત માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં કરાવવામાં આવશે તેવુ જણાવાયુ હતુ. જે બાદ વાલીઓ પણ લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા અને આંદોલનની શરૂઆત કરી હતી.
શાળા બદલવાનુ કહેવાતા વાલીઓનો આક્ષેપ હતો કે પ્રાઈમ લોકેશન પર આવેલી શાળાના પરિસરને વેચવા માટે બિલ્ડીંગ ભયજનક હોવાના બહાના આપવામાં આવ્યા છે. વધુમાં વાલીઓએ જણાવ્યુ કે બિલ્ડીંગ તોડ્યા બાદ પણ ત્યાં શાળા બનશે કે કેમ તે અંગે પણ શાળા દ્વારા કોઈ યોગ્ય પ્રત્યુતર અપાયો ન હતો અને ચુપ્પી સેવાઈ હતી. આ અંગે સિસ્ટર મનિષાએ એવુ જણાવ્યુ હતુ કે શાળાની ઈમારત ડિમોલિશ થયા બાદ કમિટી નક્કી કરશે કે ખાલી જગ્યાનો શું ઉપયોગ કરવો. આ જવાબ સાંભળ્યા બાદ વાલીઓ ડીઈઓ કચેરીએ રજૂઆત કરી હતી જે બાદ ડીઈઓ દ્વારા સ્ટ્રક્ચર રિપોર્ટ કરાવવામાં આવતા શાળા વિદ્યાર્થીઓ માટે ભયજનક ન હોવાનુ અને શાળામાં હજુ શૈક્ષણિક કાર્ય થઈ શકે તેવી સ્થિતિમાં હોવાનુ જણાવાયુ છે.
આ પણ વાંચો: અમદાવાદની લોટસ સ્કૂલ ફરી આવી વિવાદમાં, તોતિંગ ફી વધારાની દરખાસ્ત કરતા વાલીઓએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:00 am, Thu, 29 February 24