લોકસભા ચૂંટણીનો શંખનાદ ફુંકાઈ ચૂક્યો છે. રાજકીય પક્ષો વિજય પતાકા લહેરાવવા માટે પ્રચારમાં તાકાત લગાવી રહ્યા છે. ગુજરાતમાં 7મી મેએ મતદાન થવાનુ છે એ પહેલા અંતિમ તબક્કાના પ્રચારમાં તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે બનાસકાંઠાના લાખણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો.
બનાસની બેન ગેનીબેનના નારા સાથે બનાસકાંઠામાં ગેનીબેન પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે અને સમર્થકો પણ ગેનીબેનને ખુશ કરવાની એક તક છોડતા નથી. હાલ અંતિમ તબક્કાના પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે તેમના સમર્થકો તેમને રોકડ ભેટ આપતા જોવા મળ્યા. પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે tv9 સંવાદદાતા સાથે ખાસ વાતચીતમાં દાવો કર્યો કે બનાસની પ્રજા સ્વયંભુ તન, મન, ધનથી લોકશાહી બચાવવા મદદ કરી રહી છે.
આપને જણાવી દઈએ કે બનાસકાંઠાથી આ વખતે પ્રથમવાર એવુ જોવા મળશે કે બંને મહિલા ઉમેદવારો લોકસભાના રણમાં મેદાને છે. ભાજપના રેખાબેન ચૌધરી Vs ગેનીબેન ઠાકોર વચ્ચે ટક્કર છે. ભાજપે આ વખતે વર્તમાન સાંસદ પરબત પટેલની ટિકિટ કાપી રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસે વાવ બેઠકના સિટિંગ MLA અને ઠાકોર સમાજમાંથી આવતા ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે.
ગેનીબેન કોંગ્રેસના મહિલા રાજકારણી છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો. આ પછી ફરી 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6,655 મતની સરસાઈ સાથે જીત્યા હતા. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા.
બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ અત્યાર સુધીમાં 10 વાર જીતી છે. કોગ્રેસના અકબર દાલુમિયા ચાવડા અને બી કે ગઢવી બે-બે ટર્મ સુધી સાંસદ રહ્યા હતા. વર્ષ 2009 પછી કોંગ્રેસે આ બેઠક ગુમાવી હતી અને સતત બે ટર્મથી ભાજપનો વિજય થાય છે.
બનાસકાંઠા બેઠક પર બંને મહિલા ઉમેદવારો મોટી સંખ્યામાં મતદાર ધરાવતા સમાજમાંથી આવે છે. આ બેઠક પર કુલ 19.53 લાખ મતદારો છે. જેમા સૌથી વધુ 3.43 લાખ ઠાકોર મતદાર અને 2.70 લાખ ચૌધરી સમાજના મતદારો છે. આ બંને સમાજના મતદારો પરિણામ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ બેઠક ઉપર ઠાકોર અને ચૌધરી સમાજ સહિત SC, રબારી, ST, બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારો પણ પ્રભુત્ત્વ ધરાવે છે. જેમાં પાલનપુર, દિયોદર અને ડીસા બેઠકો પર પાટીદારોનો દબદબો છે. બનાસકાંઠા બેઠક કબજે કરવા ભાજપ-ક્રોંગ્રેસ બંને દિગ્ગજ પાર્ટીઓ તાકાત લગાવી રહી છે, ત્યારે ચૂંટણીમાં મતદારો ક્યા પક્ષ કે ઉમેદવારની પસંદગી કરે છે તે જોવુ રહેશે.
Published On - 7:55 pm, Sat, 4 May 24