લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણીના પ્રચારમાં કોઈ કચાશ છોડવા માગતા નથી. રાહુલ ગાંધીના 2 દિવસના ચૂંટણી પ્રચાર બાદ આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચારનું રણશિંગુ ફૂંકશે. આજે અને આવતીકાલે PM મોદી 6 જેટલી જાહેર સભાને સંબોધન કરવાના છે.
આ 6 સભાઓમાં 14 લોકસભા મત વિસ્તારને આવરી લેવામાં આવશે. આજે PM મોદી ઉત્તર ગુજરાતના મતદારો માટે ચૂંટણીનો પ્રચંડ પ્રચાર કરશે. જ્યાં ડીસા અને હિંમતનગરમાં જંગી સભાને સંબોધન કરી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તારના મતદારોને સંબોધશે.
આવતીકાલે 2 મે ના દિવસે PM મોદી 4 જંગી મહાસભાને સંબોધન કરી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પ્રચાર કરશે. આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં સભાઓ કરીને આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા માટે પ્રચાર કરશે.
લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે ત્રીજા તબક્કાના મતદાન માટે આજે PM મોદી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરશે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં બે દિવસમાં કુલ છ સભા ગજવશે. ડીસામાં જંગી જાહેર સભાને સંબોધી શરૂઆત કરવાના છે. જેને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તો સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
આ સભા બપોરના સમયે હોવાથી કેટલીક વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. જેમાં ગરમીથી ઠંડક રહે તે માટે સભા મંડપમાં મિસ્ટીંગ કુલીંગ સિસ્ટમ લગાવાઈ છે. જેમાં ફુવારા દ્વારા પ્રેસરથી પાણીનો છંટકાવ થશે. આ ઉપરાંત સભા મંડપમાં 100 જેટલા જમ્બો કુલર લગાવાશે. જેથી બહાર કરતા મંડપની અંદરનું તાપમાન 8 ડિગ્રી જેટલું નીચું રહેશે.
આ ઉપરાંત આરોગ્યની 10 ટીમો મેડિકલ ઓફિસર સાથે તહેનાત કરાઈ છે. જેમાં પેરા મેડિકલ સ્ટાફ સાથે 10 એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત રહેશે. જ્યારે 108ની છ ઈમરજન્સી વાન સભા સ્થળે ઉપસ્થિત રહેશે. આ સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવાઈ છે.