ભાવનગરના તળાજા તાલુકાના વિકલાંગ વ્યક્તિએ ભિક્ષાવૃત્તિનું મોટું રેકેટ ઉજાગર કર્યું છે. અન્ય રાજ્યમાંથી નોકરીની લાલચ આપી દિવ્યાંગ વ્યક્તિઓને ટાર્ગેટ બનાવીને ગુજરાત બોલાવવામાં આવતા હતા જ્યાંથી અલગ અલગ જિલ્લાઓમાં બળજબરીપૂર્વક ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવતી હોવાના સૌથી મોટું રેકેટનો દિવ્યાંગ વ્યક્તિએ ભાવનગરથી પર્દાફાશ કર્યો છે. આ સક્રિય ગેંગ અન્ય રાજ્યમાંથી ભિક્ષાવૃત્તિ કરી શકે તેવા 200 જેટલા વ્યક્તિને ગુજરાતમાં લાવી ગોરખ ધંધો વિકસાવેલો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલ તળાજા પોલીસ મથકમાં આ રેકેટ ચલાવતા નરાધમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
ભાવનગરમાં ભિક્ષાવૃત્તિ કરીને રૂપિયા કમાવાના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. યુપીના એક દિવ્યાંગ વ્યક્તિ આ રેકેટની ચંગુલમાંથી બહાર આવી 100 નંબર ડાયલ કરી ભાવનગર પોલીસની મદદ માગીને સમગ્ર રેકેટને ઉજાગર કર્યું છે. આ રેકેટની વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે તેઓ સાત મહિના પહેલા ઉત્તર પ્રદેશમાં કાનપુર જિલ્લામાં પાન મસાલા વેચીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેવામાં અબ્બાસ નામનો વ્યક્તિ જેનું સાચું નામ દિવાકર છે, જે સંપર્કમાં આવે છે અને તે આ વિકલાંગ વ્યક્તિને જણાવે છે કે ગુજરાતમાં પેકિંગની નોકરીમાં સારા એવા રૂપિયા મળશે તેવી લાલચ આપીને દિવ્યાંગોને ટાર્ગેટ બનાવીને ગુજરાતમાં લાવે છે.
ત્યારબાદ બળજબરીપૂર્વક ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવે છે. જોકે દિવ્યાંગે તેની વ્યથા જણાવતા કહે છે કે તેમણે સૌપ્રથમ જુનાગઢ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભાવનગર ખાતે લાવવામાં આવ્યા છે. આ રેકેટમાં અન્ય લોકો પણ સંડોવાયેલા છે. જેમના પણ નામ ખુલી શકે છે.
હાલ તો સમગ્ર ઘટના અંગે તળાજા પોલીસમાં દિવાકર, પૃથ્વી, દિપક અને દીવાકરની પત્ની વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે આ ઘટના બાદ આરોપીઓને અણસાર આવી જતા ફરાર થઈ ગયા છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ સમગ્ર રેકેટમાં ભિક્ષાવૃત્તિ કરાવવા માટે 200 થી વધુ લોકોને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. જો આની ઉચ્ચ એજન્સી દ્વારા તપાસ કરાવવામાં આવે તો અનેક વિકલાંગ અને બ્લાઈન્ડ લોકોને આ રેકેટમાંથી બહાર લાવી શકાય છે. જોકે મુખ્ય આરોપીઓ કોણ છે ક્યાં રહે છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.