સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવાઓ તો કરવામાં આવે છે. પરંતુ આજે પણ અનેક ગામડાઓ એવા છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ તો ઠીક, એ ગામ સુધી જવા માટેની કોઇ સુવિધા પણ નથી હોતી. દાયકાઓની રાહ જોયા બાદ આઝાદીના અમૃતકાળમાં હવે તેમને મળ્યા છે એસટી બસના આશીર્વાદ.
આજે આપને બે એવા ગામની વાત કરશુ જે ભાવનગર અને જુનાગઢ જિલ્લામાં આવેલા છે. આ બંને ગામની બદનસીબી ગણો કે જે ગણો તે, પરંતુ આ બંને ગામોએ આઝાદીના સાડા સાત દાયકા બાદ ગામમાં પ્રથમવાર એસટી બસ જોઈ છે. જેમા એક છે ભાવનગરના મહુવા તાલુકામાં આવેલુ કોટિયા ગામ અને બીજુ છે જુનાગઢ જિલ્લામાં આવેલુ સત્તાધાર ગામ.
આપની ટીવી સ્ક્રીન પરના આ બે દ્રશ્યો નિહાળો. એક દ્રશ્ય છે ભાવનગરના મહુવા તાલુકાના કોટિયા ગામનું. બીજુ દ્રશ્ય છે લાખો લોકોની આસ્થાના ધામ એવા સત્તાધારનું. દ્રશ્યો ભલે અલગ-અલગ ગામના હોય. પરંતુ બંનેમાં એક બાબત કોમન છે, અને તે છે એસટી બસ. તેમાં પણ મહુવાનું કોટિયા ગામ સૌથી અનોખું છે. કેમકે અહીંના લોકોએ આઝાદ ભારતના 76 વર્ષ બાદ પ્રથમ વખત કર્યા ST બસના દર્શન. અત્યાર સુધી કોટિયા ગામમાં કોઇ પણ એસટી બસ આવતી જ નહોતી. બીજી તરફ સુરતથી સતાધાર જવા માટે પણ એસટી બસ સેવા શરૂ થઇ. આપાગીગા ધામના મહંત વિજય બાપુએ એસટીના નવા રૂટને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. એટલું જ નહીં બાપુએ જાતે ડ્રાઇવિંગ સીટ પર બેસીને બસ ચલાવી.
આ દ્રશ્યો છે ભાવનગરના મહુવા તાલુકાના કોટિયા ગામના પાદરના. ગામના પાદરે ઉભેલી આ ST બસ જુઓ. તમારા માટે આ બસ અન્ય ST બસ જેટલી જ સામાન્ય હશે. પરંતુ મહુવાના કોટિયા ગામના લોકો માટે આ સામાન્ય બસ નથી, પરંતુ આઝાદીના અમૃત કાળમાં મળેલા આશીર્વાદ છે. કેમકે કોટિયા ગામના લોકોએ આઝાદીના સાડા સાત દાયકા બાદ પ્રથમ વખત પોતાના ગામમાં ST બસ નિહાળી છે. આઝાદ ભારતના 76 વર્ષ બાદ કોટિયા ગામના આંગણે પ્રથમ વખત સરકારી બસ આવી. વિકાસને કોટિયા ગામ સુધી પહોંચતા 76 વર્ષોના વહાણા વીતી ગયા. આઝાદીના 76 વર્ષ બાદ ગ્રામજનોએ પ્રથમ વખત કર્યા ST બસના દર્શન.
જેમણે પોતાના ગામમાં ક્યારેય ST બસ નિહાળી ન હોય, અને હવે પ્રથમ વખત ST બસની સુવિધા શરૂ થાય ત્યારે તેમને કેટલો આનંદ મળે ? ST બસ આવી પહોંચતા કોટિયા ગામના લોકોના હૈયે પણ હરખની એવી જ હેલી ઉમટી. કોટિયા ગામમાં જાણે કે હેલિકોપ્ટર ઉતર્યું હોય તેવો હરખ લોકોને થયો. સાધુ-સંતો સહિત તમામ ગામ લોકોએ વાજતે ગાજતે બસનું સ્વાગત કર્યું. ગામની દીકરીઓએ સામૈયું કરી ભારે ઉત્સાહ સાથે સરકારી બસના વધામણા કર્યા. ગામમાં એસટી બસની સુવિધા શરૂ થતા ગ્રામજનોએ પ્રથમ વખત બસમાં બેસીને આનંદ પણ માણ્યો હતો.
બીજી તરફ હવે સુરતથી સતાધાર કે પછી સતાધારથી સીધું સુરત પહોંચવું પણ બનશે સરળ. સૌરાષ્ટ્રના મુસાફરોની માગને પગલે સતાધારથી સુરતની બસ સેવા શરૂ કરવામાં આવી. જેના કારણે લોકોમાં ભારે આનંદ છવાયો. સતાધારમાં આપા ગીગા ધામના મહંત વિજય બાપુએ એસ.ટીના નવા રૂટના લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. એટલું જ નહીં બાપુએ ડ્રાઇવર સીટ પર બેસીને સ્ટેયરિંગ પર હાથ પણ અજમાવ્યો. બાપુને એસ.ટી બસ ચલાવતો વીડિયો હાલ ભારે વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો: શું રાજ્ય પર તોળાઈ રહ્યો છે જળ સંકટનો ખતરો? ગુજરાતના જળાશયોમાં હાલ બચ્યુ છે માત્ર આટલુ પાણી- જુઓ વીડિયો