ડાંગ જિલ્લાના સાપુતારામાં આખરે સ્થાનિકોના આંદોલનનો અંત આવ્યો છે. ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની બદલી થતા છેલ્લા બે દિવસથી સ્થાનિકો આંદોલન કરી રહ્યા હતા. ચીફ ઓફિસરની બદલીથી સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. જો કે ધારાસભ્ય વિજય પટેલે સ્થાનિકો સાથે સંવાદ સાધી 6 દિવસમાં ઉકેલ લાવવાનું આશ્વાસન આપતા આંદોલનનો અંત આવ્યો છે..ધારાસભ્યે ખાતરી આપી કે ચીફ ઓફિસરની બદલીનો ઓર્ડર રદ કરવા માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે. ધારાસભ્ય સાથે બેઠક બાદ સ્થાનિકોએ આંદોલન સમેટી લીધું છે. સાપુતારામાં ફરી રાબેતા મુજબ ધંધા-રોજગાર શરૂ થયા છે.
ઉલ્લેખનીય છે કે ગીરીમથક સાપુતારાને 10 વર્ષ બાદ કાયમી ચીફ ઓફિસર તરીકે ડૉ ચિંતન વૈષ્ણવ મળ્યા હતા. ગિરિમથક સાપુતારા ખાતે ડૉ ચિંતન વૈષ્ણવે ચીફ ઓફીસર તરીકે કાયમી કાર્યભાર સંભાળતાની સાથે જ જોવાલાયક સ્થળોની રોનક વધી હતી. તત્કાલીન ચીફ ઓફીસર ડૉ ચિંતન વૈષ્ણવ દ્વારા વર્ષો બાદ સાપુતારા સહિત નવાગામનાં પ્રાણ પ્રશ્નોને સાંભળી ઉકેલ માટે સકારાત્મક દિશા આપતા પ્રવાસન સ્થળની પ્રથમ વખત કાયા પલટ જોવા મળી હતી. છેલ્લા બે મહિનામાં સાપુતારાનાં તમામ જોવાલાયક સ્થળો ડૉ ચિંતન વૈષ્ણવનાં સકારાત્મક અભિગમનાં પગલે ગંદકી મુક્ત બનતા પ્રવાસીઓ સહિત સ્થાનિકોમાં પ્રવાસન સ્થળની આગવી ઓળખ ઉભી થઇ હતી. સાપુતારા ખાતે કાયમી ચીફ ઓફીસરની કડક કામગીરીનાં પગલે નોટીફાઇડ એરીયા કચેરીનાં કાયમી તેમજ હંગામી કર્મચારીઓ તથા એજન્સીનાં કર્મચારીઓ શિસ્તબદ્ધ શૈલીમાં આવી ગયા અને નિયમિત કામગીરીમાં જોતરાયા હતા.
તેવામાં રાજ્ય સરકાર દ્વારા સાપુતારાનાં ચીફ ઓફીસર ડૉ ચિંતન વૈષ્ણવની ટૂંકા સમયમાં જ ભાવનગર ખાતે સિવિલ ડિફેન્સ વિભાગમાં ડેપ્યુટી કન્ટ્રોલર તરીકે બદલી કરી દેતા મામલો ગરમાયો. સાપુતારાનાં ચીફ ઓફીસર તરીકે તેઓએ બે મહિના જેટલી કામગીરી કરી હતી.જે તુરંત થયેલ બદલીથી સાપુતારા નવાગામનાં ગ્રામજનો રઘવાયા થયા. સાપુતારા નવાગામનાં ગ્રામજનોએ ચીફ ઓફીસર ડૉ ચિંતન વૈષ્ણવની બદલી રદ કરવા માટે ડાંગ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. સાથે સાપુતારા સજ્જડ બંધ,રસ્તા રોકો આંદોલન સહિત લોકસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.
છતાં રાજ્ય સરકાર દ્વારા ચીફ ઓફીસરની બદલી રદ ન કરતા સોમવારે પ્રવાસન સ્થળ સાપુતારા સજ્જડ બંધ રહ્યુ હતુ. જ્યારે મંગળવારે બીજા દિવસે પણ સાપુતારા સજ્જડ બંધ રહેતા જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓના બદલે કાગડા ઉડી રહ્યા હતા. બીજા દિવસે પણ તમામ લારી ગલ્લા,રેસ્ટોરન્ટ, એડવેન્ચર એક્ટિવિટી સહિતનાં તમામ સ્થળો બંધ રહેતા સુમસામ ભાસી ઉઠ્યા હતા. ડાંગ જિલ્લાનાં ઇતિહાસમાં પ્રથમ વખત એક અધિકારીની બદલી રદ કરવા માટે ઉઠેલ લોકજુવાળ અને લોક આંદોલનનાં પગલે સાપુતારા સતત બે દિવસથી સજ્જડ બંધ જોવા મળ્યુ હતુ. જેમાં સાપુતારા નવાગામ ભાજપને વરેલુ ગામ હોવા છતાંય પ્રથમ દિવસે ડાંગનાં ભાજપી આગેવાનો ગ્રામજનોને હૈયાધરપત આપવા પણ ન ફરકતા લોકોએ રોષ ઠાલવ્યો હતો.
આ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડતા આખરે ગુજરાત રાજ્યનાં વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન, ડાંગ જિલ્લા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત,મહામંત્રી હરીરામભાઈ સાંવત સહિતના આગેવાનો સાપુતારા નવાગામ ખાતે દોડી આવ્યા હતા. અહી વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે ગ્રામજનોની મુલાકાત લઈ વાતચીત કરી રજુઆત સાંભળી હતી.અહી ગ્રામજનોએ નાયબ દંડક વિજયભાઇ પટેલ સમક્ષ પોતાની હૈયા વેદના ઠાલવી નિષ્ઠાવાન ચીફ ઓફિસરની સાપુતારા ખાતે ફરી નિમણુક કરવાની રજુઆત કરી હતી. ત્યારે ગ્રામજનોને નાયબ દંડક વિજયભાઇ પટેલે છ દિવસની મુદતમાં યોગ્ય નિરાકરણનું આશ્વાસન આપ્યુ હતુ.
Published On - 11:41 pm, Tue, 5 March 24