ગુજરાત ATS ને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના મુંબઈ અને બીડના ત્રણ ઈસમો, કૈલાશ વૈજીનાથ સનપ, દત્તા સખારામ અને મંગેશ તુક્કારામ ઉર્ફે સાહુ સમુદ્ર માર્ગે ડ્રગ્સના મોટા કંસાઈનમેન્ટની હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ એક સ્થાનિક વ્યક્તિના નામે ભારતીય ફિશિંગ બોટ ભાડે રાખી છે અને 22/23 એપ્રિલ, 2024ની મધ્યરાત્રિએ માછીમારીની આડમાં ડ્રગ્સની હેરાફેરી માટે રવાના થાય છે અને 27/28મી એપ્રિલ, 2024ના રોજ ગુજરાતના દરિયાકાંઠે પરત આવનાર છે અને ત્યારબાદ તેઓ ડ્રગ્સનો જથ્થો ગુજરાત દરીયાકાંઠેથી ભારતના અંતરીયાળ વિસ્તારોમાં પહોંચાડનાર છે.
ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, આ બાતમી આધારે ગુજરાત ATS ફરી એક વખત કોસ્ટગાર્ડ અને NCB ને સાથે રાખી ઓપરેશન શરૂ કર્યું હતું અને ATS ની ટિમો કોસ્ટ ગાર્ડ ના જહાજ “સજાગ” માં રવાના થાય છે.
ગુજરાત થી 120 નોટીકલ માઈલ દૂર ATS ની ટીમે કોસ્ટગાર્ડની ટીમ સાથે બાતમી મુજબની બોટ ઝડપી પાડી સર્ચ એન્ડ સિઝરની કાર્યવાહી શરૂ કરી મંગેશ ઉર્ફે સાહુ તુકારામ આરોટે તથા હરીદાસ ઉર્ફે પુરી રામનાથ કુલાલને અટકાયત માં લઇ બોટના હોલ્ડમાં છૂપાવેલ 173 કિલો ગ્રામ હશીશ ના 173 પેકેટ કબ્જે કરવામાં આવ્યા જેની કુલ કિંમત 60.5 કરોડ થવા જાય છે.
એક તરફ મધ્ય દરિયે ડ્રગ્સ સહિતની બોટ ઝડપવા ઓપરેશન ચાલી રહ્યું હતું તે દરમ્યાન ATSની ત્રણ જુદી જુદી ટીમોએ ત્રણ જુદા જુદા સ્થળોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી વધુ ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી, પુણે માંથી એકની અટકાયત કરવામાં આવી જ્યારે એકની દ્વારકા માંથી, અને ત્રીજાની કચ્છ માંથી અટકાયત કરવામાં આવી જેઓની પૂછપરછ માં ડ્રગ્સની હેરાફેરીના સમગ્ર પ્લાનની સિલસીલાબદ્ધ હકીકતો સામે આવી.
સતત ત્રણ દિવસ કરવામાં આવેલા ઓપરેશનની વિગત જોઈએ તો તારીખ 27 એપ્રિલના રોજ રાજસ્થાન, ગુજરાતના 4 સ્થળો પર દરોડા પાડી 230 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ, અને ડ્રગ્સ બનાવવાનું માટેરિયલ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં 10 આરોપીની ધરપકડ કરવામાં આવી. તારીખ 28 એપ્રિલના રોજ પોરબંદર નજીક મધ્ય સમુદ્રમાંથી પાકિસ્તાની બોટમાં 602 કરોડના હેરોઇન ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી. તારીખ 29 એપ્રિલે મધ્ય સમુદ્રમાં 60.5 કરોડના હશિશ હેરોઇન સાથે 5 લોકોની ધરપકડ કરવાંઆ આવી.
ઝડપાયેલા 5 આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, તેઓ પાકિસ્તાન સ્થિત ડ્રગ સિન્ડિકેટ્સના સંપર્કમાં હતા. કૈલાશ વૈજનાથ સનપ, દત્તા સખારામ અને મંગેશ તુકારામ ઉર્ફે સાહુ, પાકિસ્તાનથી હશીશની ડિલિવરી લેવા માટે દ્વારકા આવી સ્થાનિક બોટ માલિકોના સંપર્કમાં આવ્યા હતા. પોતાના નામે તેઓ બોટની વ્યવસ્થા કરી ન શકતા તેઓએ દેવભૂમિ દ્વારકાના સલાયાથી એક બોટ ભાડે લીધી હતી. 22/23 એપ્રિલની રાત્રે માછીમારી કરવા જવાના બહાને મંગેશ તુકારામ ઉર્ફે સાહુ અને હરિદાસ રામનાથ બોટના ક્રૂને દરિયામાં લઈ જઇ ક્રૂ મેમ્બર્સ અને ટંડેલને ધાકધમકી આપી પોતાના કબ્જામાં લઈ લીધા હતા.
પાકિસ્તાનના પશની નજીક પૂર્વનિર્ધારિત લોકેશન ખાતે બોટને લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું. એક આરોપી મંગેશ તુકારામ ઉર્ફે સાહુ થુરાયા સેટેલાઇટ ફોન દ્વારા કૈલાશ વૈજીનાથ સનપ સાથે સતત સંપર્કમાં હતો અને તેની સૂચના મુજબ કામ કરતો હતો. 27મી એપ્રિલની વહેલી સવારે, તેઓએ પાકિસ્તાનના પશનીથી 110 નોટીકલ માઈલ દૂર એક સ્થાન પર પાકિસ્તાની સ્પીડ બોટમાંથી ડીઝલ અને રાશન સામગ્રી સહિત હશીશની ડિલિવરી લીધા બાદ તેઓ દ્વારકાથી 60 નોટીકલ માઈલ દૂર પૂર્વનિર્ધારિત લોકેશન ખાતે આયોજન મુજબ પરત ફરી રહ્યા હતા.
પ્લાન મુજબ, કૈલાશ સાનપે દત્તા સખારામને આ સ્થાન પર એક નાની બોટ લઈ જવા, અને ડ્રગ્સનો જથ્થો લઈ તેને દ્વારકાના કિનારે નિર્જન જગ્યાએ લઈ જવા સૂચના આપવામાં આવી હતી. હાલ પાંચેય આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે પોરબંદરના સમુદ્ર કાંઠે લાવી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Published On - 9:21 pm, Mon, 29 April 24