ગુજરાતમાંથી ફરી એકવાર ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. બે મહિના અગાઉ ગુજરાત ATSને માહિતી મળી હતી કે અમદાવાદમાં બે વ્યક્તિઓ ડ્રગ્સ બનાવવા માટે લિક્વિડ પદાર્થ તેમજ કાચો માલ મંગાવી અને અલગ અલગ ફેક્ટરીઓમાં સપ્લાય કરે છે. જેના આધારે ATSની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જે તપાસ બાદ રાજસ્થાન અને ગુજરાતમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરીઓનો પર્દાફાશ થયો છે.
ગુજરાત ATSને મળેલા ઈનપુટ્સને આધારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતો મનોહરલાલ ઐનાની અને ગાંધીનગરમાં રહેતા કુલદીપસિંઘ રાજપુરોહિતની ધરપકડ કરવામાં આવી છે. બંનેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. મનોહરલાલ અને કુલદીપસિંગ રાજપુરોહિત સાથે મળીને ગુજરાત અને રાજસ્થાનની અમુક ફેક્ટરીઓમાં ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવી અને વેચાણ કરતા હતા.
ATS દ્વારા વધુ તપાસમાં સામે આવ્યું છે કે મનોહરલાલ અને કુલદીપ હાલમાં ગુજરાતના ગાંધીનગર, અમરેલી અને રાજસ્થાનના ભીનમાલ તથા ઓશિયા જોધપુર ખાતે ડ્રગ્સનું વેચાણ કરતા હતા.જે રીતે ATS અને NCBને વધુ માહિતીઓ મળતી હતી. જે બાદ બંને એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યા.
ATS અને NCBની પહેલી ટીમે પહેલું ઓપરેશન મુખ્ય સૂત્રધાર મનોહરલાલ ઐનાની દ્વારા ચાલતી ફેક્ટરી પર શરૂ કર્યું. રાજસ્થાનમાં શિહોરીમાં મત્રા નદી પાસે આવેલી મનોહરલાલની ફેક્ટરીમાંથી 15 kg પ્રોસેસ MD અને 100 કિલો લિક્વિડ MD મળી આવ્યું હતું. જ્યાં MD બનાવવાના સાધનો પણ પોલીસે જપ્ત કર્યા છે. મનોહરલાલની ફેક્ટરીમાંથી ચાર આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી મનોહરલાલ અગાઉ વર્ષ 2015માં DRI દ્વારા આબુરોડ ખાતેથી રિકો ઇન્ડસ્ટ્રીમાંથી રિકવર થયેલા 279 કિલોગ્રામ MD કેસમાં મુખ્ય આરોપી હતો અને તે કેસમાં તે સાત વર્ષની સજા પણ ભોગવી ચૂક્યો છે..
ATS અને NCBની બીજી ટીમ દ્વારા ગાંધીનગરના પીપળજ ખાતે એક રહેણાંક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે MD બનાવવા માટેની ફેક્ટરી ચાલી રહી હતી. જ્યાંથી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને પોલીસને ત્યાંથી 476 ગ્રામ MD, 16 લીટર લિક્વિડ MD મળી આવેલા છે. આ ઉપરાંત ત્યાંથી પણ અમુક સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.
ATS અને NCBની ત્રીજી ટીમે રાજસ્થાનના જોધપુર જિલ્લાના ઓશિયા ગામમાં રેડ કરી હતી. જ્યાંથી ટીમને કેમિકલ અને ડ્રગ્સ બનાવવાના સાધનો મળી આવ્યા હતા. જે કેમિકલ મળી આવ્યું છે, તેની ઓળખ માટે NCB તપાસ કરી રહી છે. આ દરોડા દરમિયાન એક આરોપીની અટકાયત કરવામાં આવી છે.
ATS અને NCBની તપાસ દરમિયાન સામે આવ્યું કે અમરેલીમાં પણ ડ્રગ્સ પ્રોસેસ થઈ રહ્યું છે. જેના આધારે ATS અને NCBની સંયુક્ત ટીમે અમરેલી SOGની ટીમને સાથે રાખી તિરુપતિ કેમ-ટેક માં દરોડો પાડયો હતો. જ્યાંથી 6.502 કિલોગ્રામ MD અને ચાર લીટર લિક્વિડ MD મળી આવ્યું હતું. આ ઉપરાંત ત્યાંથી પણ ડ્રગ્સ બનાવવા માટેના સાધનો મળી આવતા જપ્ત કરવામાં આવ્યા છે. અમરેલીની ફેક્ટરીમાંથી પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
ગુજરાત ATS અને NCBની ટીમ દ્વારા રાજસ્થાન અને ગુજરાતની અલગ અલગ ચાર જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 230 કરોડથી વધુની કિંમતનું 22.028 કી. ગ્રામ MD, સ્લરી MD, 124 લીટર લિકવિડ MD મળી આવ્યું છે. આ ઉપરાંત ચાર ફેક્ટરી તથા સાધનો પણ સીઝ કરવામાં આવ્યા છે. જેમાં 13 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનની ફેક્ટરી મનોહરલાલ ચલાવતો હતો. જ્યારે અમરેલી, ગાંધીનગર અને રાજસ્થાનની અન્ય ફેક્ટરી કુલદીપસિંઘ સંચાલન કરી રહ્યો હતો. જોકે મુખ્ય આરોપી મનોહરલાલ અને કુલદીપસિંઘ એકબીજાથી પરિચિત ન હતા, પરંતુ ATS દ્વારા રો મટીરીયલ વાપી GIDCની ફેક્ટરીમાંથી સપ્લાય થતું હતું. તેની પૂછપરછ કરતા મનોહરલાલ અને કુલદીપસિંઘ તેની પાસેથી રો મટીરીયલ ખરીદી રહ્યા છે. તેવી માહિતી સામે આવી હતી. જે બાદ ATS દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે કનૈયાલાલ ડ્રગ્સ બનાવવામાં એક્સપર્ટ હતો. અલગ અલગ ફેક્ટરીઓમાં સપ્લાય થતુ રો મટીરીયલ વાપીની GIDCમાંથી આવતું હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. હાલ તો પોલીસે બંને મુખ્ય આરોપીઓ અને તેની નીચે કામ કરતા લોકોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ત્યારે હવે આ સમગ્ર કેસની આગળની તપાસ NCB ચલાવશે અને ડ્રગ્સ કેટલા સમયથી બનતું હતું, તેમજ રો મટીરીયલ કઈ કઈ ફેક્ટરીઓમાંથી આવતું હતું અને ડ્રગ્સ ક્યાં વેચાણ થતું હતું તે સહિતની તપાસ NCB દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો: ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, રામ મંદિર અને UCC મુદ્દે કોંગ્રેસને ઘેરી , જુઓ-Video
Published On - 8:59 pm, Sat, 27 April 24