લોકસભાની ચૂંટણી સાથે હવે વિધાનસભાની પાંચ ખાલી પડેલી જગ્યાઓની પણ પેટા ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં વિજાપુર વિધાનસભાની બેઠક પરથી ભાજપે ઉમેદવાર તરીકે ચતુરસિંહ જવાનજી ચાવડાને ટિકિટ આપી છે. એટલે કે સીજે ચાવડાને મેદાને ઉતાર્યા છે. ડોક્ટરેટની ડિગ્રી ધરાવતા સીજે ચાવડા રાજ્ય સરકારના અધિકારી તરીકે પણ ફરજ બજાવી છે.
વિજાપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે. અહીંથી કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું ધર્યુ હતુ અને ત્યાર બાદ સીઆર પાટીલે તેમને વિજાપુરમાં જ ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. સીજે ચાવડાને હવે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના પ્રથમ હરોળના નેતા તરીકે સીજે ચાવડાની ગણના થતી હતી. પરંતુ તેઓએ રામ મંદિર શિલાન્યાસને લઈ કોંગ્રેસના નિર્ણય બાદ ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યાનું કહ્યુ હતુ. તેઓએ કોંગ્રેસને રામરામ કરીને ધારાસભ્ય પદથી રાજીનામું ધર્યુ હતુ. ત્યાર બાજ સીજે ચાવડાએ ભાજપમાં જોડાવવા માટેનો કાર્યક્રમ વિજાપુરમાં આયોજન કર્યો હતો. જેમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
સીજે ચાવડા અગાઉ રાજ્ય સરકારમાં વર્ગ-1 અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ત્યાર બાદ તેઓએ રાજીનામું ધરીને કોંગ્રેસમાં જોડાયા હતા. 65 વર્ષીય સીજે ચાવડા કોંગ્રેસ સાથે લાંબો સમય જોડાયેલા રહ્યા હતા અને તેઓે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ગાંધીનગર ઉત્તર અને વિજાપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા હતા. 2017માં ગાંધીનગર ઉત્તરમાં ભાજપના અશોક પટેલ સિટીંગ ધારાસભ્ય સામે જીત મેળવી હતી. જ્યારે 2022 માં વિજાપુર બેઠક પર ભાજપના સિટીંગ ધારાસભ્ય રમણ પટેલ સામે જીત મેળવી હતી. 2019માં તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા હતા. અમિત શાહ સામે તેઓ કોંગ્રેસ તરફથી મેદાને ઉતર્યા હતા અને હાર થઈ મેળવી હતી.
વિજાપુર વિધાનસભા બેઠકના પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સીજે ચાવડાએ વર્ષ 2022 ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી હતી. તેઓએ ભાજપના સિટીંગ ધારાસભ્ય રમણલાલ ધુળાભાઇ પટેલને હાર આપી હતી. 2022 માં 2,24,700 મતદારોએ મતદાન કર્યુ હતુ. જેમાંથી સીજે ચાવડાને 78,749 મત મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર રમણ પટેલને 71696 મત મળ્યા હતા. આપના ઉમેદવાર ચિરાગ પટેલને 5019 અને નોટામાં 2059 મત પડ્યા હતા. આમ સીજે ચાવડાએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો.
Published On - 9:07 am, Wed, 27 March 24