ભાજપે લોકસભા ચૂંટણી 2024 ની અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે. જેમાં પ્રથમ યાદીમાં ઉત્તર ગુજરાતની બે બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા અને પાટણ બંને લોકસભા બેઠકના ઉમેદવારોને પ્રથમ યાદીમાં જ જાહેર કર્યા હતા. આમ બંને ઉમેદવારોએ લોકસંપર્ક કરવાની શરુઆત પણ વહેલા જ કરી દીધી છે. પાટણના વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ભાજપે ફરીથી ઉમેદવાર જાહેર કર્યા હતા.
ભરતસિંહ ડાભીને મેદાને ફરીથી ઉતારવા માટેનું ગણિત પણ સામાજિક માનવામાં આવી રહ્યુ છે. પાટણ બેઠકમાં ભૌગોલિક રીતે જોવામાં આવેતો બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાનો વિસ્તાર અને વિધાનસત્રા ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. આમ આ બેઠકના ઉમેદવારની પસંદગી ચોક્કસ સમીકરણને ધ્યાને રાખીને દર વખતે કરવામાં આવે છે.
ભાજપે પ્રથમ યાદીમાં બંને ઉમેદવારો શિક્ષિત પસંદ કર્યા છે. પાટણ બેઠકના રિપીટ ઉમેદવાર ભરતસિંહ ડાભી B.A., LLB સુધીનો અભ્યાસ કરેલ છે. આમ વકીલ ભરતસિંહને ભાજપે મોકો આપ્યો છે. 68 વર્ષની વય ધરાવતા ભરતસિંહ ડાભી બીજી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ત્રણ વાર તેઓ મહેસાણાના ખેરાલુથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
1955માં જન્મેલા ભરતસિંહ ડાભી 2007માં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ભરતસિંહ 2007, 2012 અને 2017માં સળંગ ત્રણ વાર વિધાનસભાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ભાજપે ત્યાર બાદ પ્રથમવાર તેઓને 2019માં કોંગ્રેસના દિગ્ગજ ઠાકોર નેતા જગદીશ ઠાકોરની સામે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા હતા. જેમાં ભરતસિંહે 1.93 લાખ મતથી જગદીશ ઠાકોરને હાર આપી હતી.
પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી 2007 થી સતત રાજકીય રીતે સફળ નીવડી રહ્યા છે. આ માટે તેઓ સામાજિક સમીકરણમાં ફીટ માનવામાં આવે છે. ભરતસિંહ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામના વતની છે. જે વિસ્તારમાં આવે છે, એ વિસ્તારમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વિશેષ જોવા મળી રહ્યું છે. તો પાટણ બેઠક પર પણ ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેલું છે. તેમનું વતન પાટણ લોકસભા બેઠક વિસ્તારમાં આવે છે. આમ પાટણ અને તેમના વતનના વિસ્તારમાં ઠાકોર મતદારોના પ્રભાવને ધ્યાને રાખીને તેમની પર પસંદગી ઉતારવાનું કારણ માનવામાં આવી રહ્યુ છે.
Published On - 9:36 am, Fri, 15 March 24