આ વખતે 25 માર્ચ 2024 સોમવારના રોજ રંગોથી હોળી રમવામાં આવશે. હોળીના રંગોમાં તરબોળ થવું દરેક વ્યક્તિને ગમે છે, પરંતુ જ્યારે આ રંગો ચહેરા પર લાગે છે ત્યારે તેને દૂર કરવા મુશ્કેલ બની જાય છે અને બજારમાં મળતા રંગોમાં કેમિકલ ભરપૂર હોય છે, જે ચહેરાને ઘણું નુકસાન પહોંચાડે છે. છોકરીઓની સાથે-સાથે છોકરાઓ પણ તેમની ત્વચાની કાળજી લે તે જરૂરી છે.
છોકરીઓ હોય કે છોકરાઓ દરેકને સ્કીન કેરની જરૂર હોય છે. હોળીના દિવસે છોકરાઓએ તેમની સ્કીનની વધુ કાળજી લેવી જોઈએ. કારણ કે હોળીના દિવસે છોકરાઓના ચહેરા વધુ રંગીન થઈ જતા હોય છે અને તેઓ પાકા રંગોથી પણ રમતા હોય છે. તો ચાલો જાણીએ કે હોળી પર ત્વચાની સંભાળ કેવી રીતે કરવી.
હોળી રમવાના એક દિવસ પહેલા નારિયેળ તેલથી ચહેરા પર માલિશ કરો. આ સાથે તમારી દાઢી અને વાળમાં સારી રીતે તેલ લગાવો. તમે સારા મોઈશ્ચરાઈઝર અથવા નારિયેળ, બદામ અને ઓલિવ ઓઈલ જેવા કોઈપણ એક તેલથી પણ આખા શરીરની માલિશ કરી શકો છો.
હોળીના રંગો તમારા ચહેરા તેમજ તમારા હાથ અને પગની સ્કીનને નુકસાન પહોંચાડે છે. જો તમે બહાર હોળી રમવા જાવ છો તો ફુલ સ્લીવનો શર્ટ પહેરો અને એવા ફૂટવેર પણ પહેરો જે સંપૂર્ણપણે બંધ હોય અને પાણીમાં બગડી ન જાય. આ સાથે તમારા પગની સ્કીન પણ રંગોથી સુરક્ષિત રહેશે.
જો તમે તમારી ત્વચાને રંગોના નુકશાનથી બચાવવા માંગતા હો તો હોળી રમવાના એક કલાક પહેલા તમારા ચહેરા પર સનસ્ક્રીન લગાવો અને જ્યારે તે સંપૂર્ણપણે શોષાઈ જાય, ત્યારે પેટ્રોલિયમ જેલી લગાવવી જોઈએ. ખાસ કરીને તમારી પોપચા અને તમારી આંખોની આસપાસના વિસ્તાર પર થોડું વધુ મોઇશ્ચરાઇઝર લગાવો. જો તમે ઈચ્છો તો બેબી ઓઈલનો પણ ઉપયોગ કરી શકાય છે. આંખો પર ગોગલ્સ લગાવીને જ બહાર નીકળવું જોઈએ.
જો ચહેરા પર વધારે કલર લાગી ગયો હોય તો ચહેરાને સાબુ કે ફેસ વોશથી વારંવાર ન ધોવો જોઈએ. હોળીના રંગો ધીમે-ધીમે બે થી ત્રણ દિવસમાં ઝાંખા પડી જાય છે, તેથી રંગોને તરત જ દૂર કરવાનો પ્રયાસ કરશો નહીં. તેનાથી તમારા ચહેરા પર ફોલ્લીઓ અથવા બળતરા થઈ શકે છે. ચહેરા પરથી રંગ દૂર કર્યા પછી સારું મોઇશ્ચરાઇઝર અથવા દેશી ઘી લગાવવું જોઈએ.