રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે વિભિન્ન કાર્યક્રમોનું આયોજન
ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામનો વનવાસ સમાપ્ત થયા બાદ અયોધ્યા નગરીમાં પરત ફર્યા તે શુભ પ્રસંગની યાદમાં સમગ્ર ભારત વર્ષમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. તેવી જ રીતે, તા. 22મી જાન્યુઆરી 2024ના રોજ ફરીથી ભગવાન શ્રી રામ લલાનું અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરમાં પુનરાગમન (પ્રાણપ્રતિષ્ઠા) થતા સમગ્ર દેશમાં ફરીથી દિવાળી જેવો અને હર્ષોલ્લાસનો માહોલ છવાયો હતો.
1 / 5
આ શુભ અવસરને અનુલક્ષીને આપણા માનનીય વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના તમામ મંદિરો અને તીર્થ સ્થળોને તા.14મી જાન્યુ-24 થી 22મી જાન્યુ-24 સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની હાકલ કરવામાં આવી હતી. જેથી, ભગવાન શ્રી રામ લલાના આગમન થતા દેશના તમામ મંદિરો અને તીર્થ સ્થળો સ્વચ્છતાથી દિપી ઉઠે અને ત્યાં પણ સાક્ષાત ભગવાનની અનુભૂતિ થાય.
2 / 5
ભગવાનના આગમનની વાત હોય ત્યારે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતેના સંતો અને ભક્તો પણ ભગવાનને ઉમળકાભેર આવકારવામાં કોઈ કચાસ ના છોડ્યો. વધુમાં, માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવેલા આહવાનને ધ્યાને લઈને હરે કૃષ્ણ મંદિર ખાતે તા. 14મી જાન્યુ-24 એટલે કે મકરસંક્રાતિના શુભ દિવસથી ભગવાન શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ એટલે કે તા.22મી જાન્યુ-24 સુધી સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં મંદિર ખાતેનાં સંતો, ભક્તો અને દર્શનાર્થીઓ હજારો ની સંખ્યા માં જોડાઈને અનોખી રીતે ભગવાન શ્રી રામ અને દેશની સેવા માટેના સ્વચ્છતા યજ્ઞમાં જોડાયા હતા.
3 / 5
તદુપરાંત, 22મી જાન્યુ-24 ના રોજ જ્યારે સાક્ષાત ભગવાન શ્રી રામલલાની અયોધ્યા ખાતેના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થયું ત્યારે હરેકૃષ્ણ મંદિર ખાતે પણ ભગવાન શ્રી રામની આરાધના કરવા માટે રામ દરબાર, રામ તારક યજ્ઞ, દિપોત્સવ તથા રામ નામ સંકિર્તન જેવા ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ દરમ્યાન હરે કૃષ્ણ મંદિર, ભાડજમાં ભગવાન શ્રી શ્રી રાધા માધવની મૂર્તિઓને વિશેષ અંલકારથી શણગારવામાં આવ્યા હતા.
4 / 5
ઉત્સવના વિશેષ ભાગરૂપે મંદિરમાં અતિસુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. ભગવાનને ભવ્ય પાલકીમાં મંદિરના પરિસરમાં વિહાર કરાવવામાં આવ્યા હતા જયારે ભકતો ભગવાન શ્રીરામના પવિત્ર નામનું ગાન કરતા સંકિર્તન ગાઈને જોડાયા હતા. ત્યારબાદ સૌ ભક્તોએ “શ્રી રામ અષ્ટોત્તર શત્ નામ” (108 નામ) તથા અન્ય વૈદિક મંત્રઘોષ કરતા “શ્રી રામ તારક યજ્ઞ” કર્યો હતો.
5 / 5
અંતમાં, મહા આરતી ઉતારવામાં આવી જે દરમ્યાન સૌ ભકતોએ “શ્રી નામ રામાયણ” જેમાં સંપૂર્ણ રામાયણને ગીતરૂપે નિરૂપાવામાં આવી છે તેનું ગાન કર્યું. સંપૂર્ણ મંદિરને 10,000 જેટલા દીવડાઓથી શણગારવામાં આવ્યું હતું અને બધા દર્શનાર્થી ભક્તોને ભગવાન શ્રી રામને દીપ અર્પણ કરવાનો લાભ મળ્યો હતો.