લોકસભા ચૂંટણીમાં ‘Every Vote Counts’ ને સાર્થક કરતા એક વ્યક્તિ માટે પણ દુર્ગમ વિસ્તારમાં ઉભા કરાયા મતદાન મથકો- જુઓ તસવીરો
ભારત એ વિશ્વની સૌથુ મોટુ લોકતંત્ર છે. ભૌગોલિક દૃષ્ટિએ વિવિધતાથી ભરેલા ભારતમાં છેવાડાનો કે અંતરિયાળ, દુર્ગમ વિસ્તારનો એકપણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય તે સૌથી મોટો પડકાર રહે છે. પરંતુ ભારતનુ ચૂંટણીપંચ દરેક ચૂંટણીમાં ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં હરહંમેશ સુસજ્જ રહે છે અને આથી જ આ આવા દુર્ગમ વિસ્તારમાં એક વ્યક્તિ માટે પણ મતદાન મથક ઉભુ કરવામાં આવે છે.
1 / 12
ગુજરાતમાં અનેક એવા વિસ્તાર છે જ્યા પરિવહનની જરૂરી વ્યવસ્થાના અભાવે પહોંચવુ મુશ્કેલીભર્યુ હોય છે. રાજ્યના આવા દુર્ગમ ગણાતા 11 સ્થળોએ વિશિષ્ટ મતદાન મથક તૈયાર કરવામા આવ્યા છે.
2 / 12
ગીર સોમનાથના બાણેજ વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યના ઉંડા જંગલમાં એકમાત્ર મહંત હરિદાસજી ઉદાસીન વસે છએ. જેઓ અહીં આવેલા શિવમંદિરના પૂજારી છે. આ એકલ મતદાર માટે વર્ષ 2007થી દરેક ચૂંટણી દરમિયાન ખાસ મતદાન મથક ઉભુ કરાય છે. જે ચૂંટણી પંચની ‘Every Vote Counts’ ની ભાવનાને ચરિતાર્થ કરે છે.
3 / 12
ગીર સોમનાથના ઉના વિધાનસભા વિસ્તારમાં આવતા સાપ નેસ બિલિયા એ ગીર જંગલની અંદર આવતો નાનો નેસ વિસ્તાર છે. આ નેસમાં વર્ષ 2007થી 23 પુરુષો અને 19 મહિલાઓ મળી માત્ર 42 મતદારો માટે ખાસ મતદાન મથક ઉભુ કરવામાં આવ્યુ છે.
4 / 12
ગીર સોમનાથના તાલાળા વિધાનસભામાં આવતા માધુપુર જાંબુર વિસ્તારમાં 14 મી અને 17મી સદી દરમિયાન ભારતમાં આવેલા પૂર્વ આફ્રિકન લોકોના વંશજ સિદ્દીઓ અહીં રહે છે. તેમના માટે અહીં મતદાન મથકો ઉભા કરાયા છે. સિદીઓના અહીં 3,515 મતદારો છે.
5 / 12
અમરેલી જિલ્લાાં અરબી સમુદ્રમાં આવેલા ટાપુ શિયાળ બેટમાં 832 જેટલા મકાનો છે. આ વિસ્તાર રાજુલા વિધાનસભા હેઠળ આવે છે. અહીં દરિયાઈ માર્ગ સિવાય ભૂમિ માર્ગેથી જવાનુ કોઈ જોડાણ નથી. આથી અહીં વસતા 5048 મતદારો માટે ચૂંટણી પંચ 05 મતદાન મથકો ઉભા કરે છે.
6 / 12
ભરૂચ વિસ્તારમાં આવેલ આલિયાબેટ એ ભાડભુત બેરેજનું એક અલગ સ્થળ છે, અહીં સ્ત્રી પુરુષો મળીને કુલ 254 મતદારો માટે મતદાન મથક ઉભુ કરવામાં આવે છે. આલીયાબેટ ખાતે શિપિંગ કન્ટેનરની વ્યવસ્થા કરી આ કન્ટેઈનરમાં તમામ Assured Minimum Facilities (AMF) પુરી પાડી મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.
7 / 12
મહિસાગર જિલ્લામાં કડાણા ડેમ વિસ્તારમાં એક અનોખો બેટ આવેલો છે. અહીં 381 પુરુષ અને 344 સ્ત્રીઓ મળી કુલ 725 મતદારો છે. જેઓ મુખ્ય ભૂમિથી બેટ પર રહેવાનુ પસંદ કરે છે. અહીં પરિવહનનો એકમાત્ર રસ્તો બોટ છે. આથી આ બેટ પર આવેલી શાળામાં મતદાન મથક બનાવવામાં આવે છે અને તમામ પોલિંગ સ્ટાફ બોટ દ્વારા મુસાફરી કરે છે.
8 / 12
નર્મદા જિલ્લામાં ગાઢ જંગલો વચ્ચે અંતરિયાળ વિસ્તારમાં આવેલા રીંગપાદરફળિયા નામના પરામાં એક નવુ મતદાન મથક ચોપડી 02 બનાવવામા આવ્યુ છે. તાલુકા મથકથી આ મતદાન મથકનું અંતર 37 કિલોમીટર છે આથી અહીંના 134 મતદારોને લાંબી મુસાફરી ન કરવી પડે તેને ધ્યાને રાખી અહીં નવુ મતદાન મથક બનાવાયુ છે.
9 / 12
દ્વારકા જિલ્લામાં ખંભાળિયા વિસ્તારમાં આવેલ અજાડ ટાપુના 40 મતદારો માટે પણ અલગથી મતદાન મથક ઉભુ કરવામાં આવ્યુ છે.
10 / 12
પોરબંદરના બરડા પર્વતમાળામાં સાતવિરડા નેસ (883 મતદારો), ભુખબરા નેસ (634 મતદારો), ખારાવીરા નેસ (797 મતદારો) આ મતદાન મથકો પ્રતિબંધિત જંગલ વિસ્તારમા આવેલા હોવાથી વહીવટીતંત્ર દ્વારા અહીં ત્રણ મતદાન મથક ઉભા કરાયા છે. શેડો એરિયામાં આવતા હોવાથી અહીં સંદેશાવ્યવહારનું એકમાત્ર માધ્યમ વાયરલેસ સેટ છે.
11 / 12
જુનાગઢમાં કનકાઈ વિસ્તારના 121 મતદારો માટે મતદાન મથક ઉભુ કરવામાં આવ્યુ છે.
12 / 12