કરાઈ એકેડમીમાં દિક્ષાંત સમારોહમાં હર્ષ સંઘવીએ નવા બનેલા PSIને કરી ટકોર, ગામમાં કોઈ સાહેબ કહે તો હવામાં ન ઉડતા- જુઓ વીડિયો
ગાંધીનગર સ્થિત આવેલી કરાઈ એકેડમીમાં પોલીસની તાલીમ લઈ નવા PSI બનેલા પોલીસકર્મીઓનો આજે દિક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે હર્ષ સંઘવીએ નવા બનેલા PSIને જીવનમંત્ર બનાવવા જેવી ટકોર કરી કે ગામમાં કોઈ સાહેબ કહે તો હવામાં ન ઉડતા.
ગામમાં કોઇ તમને સાહેબ કહે તો હવામાં ન ઉડતા, કરાઇ પોલીસ એકેડમી ખાતે દિક્ષાંત સમારોહમાં હર્ષ સંઘવીએ, નવા બનેલા PSIને આપી છે આ સલાહ. નવા બનેલા PSIને વિનંતિ સાથે હર્ષ સંઘવીએ ટકોર કરતા કહ્યું કે, લોકો સાહેબ તમારા હોદ્દાને કહે વ્યક્તિત્વને નહીં.
હર્ષ સંઘવીએ ઉમેર્યું કે સાહેબ શબ્દમાં ગુમરાહ થનારા લોકોને ક્યારેય સફળતા નથી મળતી, એટલે કેવા અને કેટલા લોકો સાથે સંબંધ રાખવો તે વિચારીને ચાલજો, એટલું જ નહીં સંઘવીએ સંબંધોનો ગેરલાભ ઉઠાવનારા લોકોથી દૂર રહીને કેરિયરની શરૂઆત કરવાની નવા PSIને સલાહ આપી.
“સ્વભાવ કે કામની નકારાત્મક્તા પોલીસ મથકે જ મુકીને જજો”
મહત્વપૂર્ણ છે કે આજથી રાજ્યના પોલીસ વિભાગમાં 332 નવા PSIઓ કાર્યરત થશે. જેમને અલગ અલગ જિલ્લામાં પોસ્ટિંગ આપવામાં આવશે. ત્યારે સંઘવીએ વિનંતિ કરી કે, “સ્વભાવ કે કામની નકારાત્મક્તા પોલીસ મથકે જ મૂકીને જજો, ઘરે ન લઇ જતા”. સંઘવીએ કહ્યું કે તમારા નકારાત્મક સ્વભાવની પરિવારજનો પર અસર ન થાય તેનું ધ્યાન રાખજો.