ઉનાળાની શરૂઆતની સાથે પાણીની પારાયણ શરૂઆત થઈ ગઈ છે. ગીર-સોમનાથના તાલાલા તાલુકાના છેવાડાના ગામમાં પાણીની ભારે તંગી છે..પાંચ ગામમાં પાણીની સમસ્યા ખૂબ જ વિકરાળ બની છે. પીખોર, ગુંદાળા, રામપરા, સેમળિયા અને રાયડી આ પાંચ ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણી શોધવા માટે ગામની મહિલાઓએ રઝળપાટ કરવો પડે છે. વિવિધ સરકારી યોજનાઓ આ ગામમાં પણ પહોંચી છે. ઘર સે નળ હેઠળ અહીં પણ દરેક ઘરમાં નળ આવી ગયા છે પરંતુ નળ ખોલો તો જળના બદલે માત્ર હવા જ નીકળે છે.
અહીં પાણીની તંગી પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. એક તો અહીં પાણીના કુદરતી સ્ત્રોત નથી અને ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડું છે. ગામમાં લાગેલા હેડ પંપથી લોકો પાણી ભરવાનો પ્રયાસ કરે તો માંડમાંડ 2 ડોલ પાણી બહાર આવે છે. હવે હજારોની વસતી બે ડોલ પાણીથી શુ થાય?
ગામની મહિલાઓ કહે છે કે પાણીના કારણે અમે મજૂરી કામ માટે જઈ નથી શકતા કારણ કે બધો સમય પાણી ભરવામાં જ જતો રહે છે. પાણી માટે મહિલાઓને ખેતરોમાં રઝળપાટ કરવો પડે છે. પાણીની સમસ્યા ધરાવતા આ પાંચ ગામમાં 12 હજારની વસતી છે અને આશરે 3 હજાર જેટલા પશુઓ છે. ત્યારે આ બધા માટે પાણી કેવી રીતે પુરુ પાડવું એ ગ્રામજનો માટે પડકાર છે. ગામનો લોકો પાણી આપવા માટે પોકાર કરી રહ્યા છે.
તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે પણ એ વાત સ્વીકારી કે અહીં પાણીની તંગી છે. ગ્રામજનો ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. ધારાસભ્યે કહ્યું કે અમને ગ્રામજનોએ રજૂઆત કરી છે. અમે આ ગામડાઓની મુલાકાત કરી છે અને પાણીની વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે. ટૂંક સમયમાં તંત્ર લોકો સુધી પાણી પહોંચાડશે. હાલ ટેન્કરથી ગ્રામજનોને પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: શું જવાહર ચાવડાની કોંગ્રેસમાં થશે ઘરવાપસી? સોશિયલ મીડિયા પોસ્ટ પર ચાવડાએ કરી સ્પષ્ટતા- જુઓ વીડિયો