બનાસકાંઠા બેઠક પર મહિલાઓ વચ્ચે જંગ, ડો. રેખા ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર
બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે ક્ષત્રિય ઠાકોર કાર્ડ બનાસકાંઠામાં ખોલ્યુ છે. અહીં પહેલાથી જ માનવામાં આવી રહ્યુ હતું અને એ જ મુજબ હવે કોંગ્રેસે મહિલા ઉમેદવારને પસંદ કર્યા છે. આમ હવે રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે ટક્કર જામશે.
બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે ઉમેદવારને જાહેર કર્યા છે. ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા બેઠક પર ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. ગેનીબેન ઠાકોર વાવ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય છે. તેઓ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી 2017માં લડવા માટે મેદાને ઉતરતા ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને ધારાસભ્ય તરીકે વિજયી થયા હતા.
કોંગ્રેસે હવે ધારાસભ્ય ગેનીબેનને ભાજપના શિક્ષિત મહિલા ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી સામે મેદાને ઉતાર્યા છે. રેખાબેન આંજણા ચૌધરી સમાજમાંથી આવે છે અને તેમના પરિવારનો સમાજ પર પ્રભાવ છે. જ્યારે ગેનીબેન ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવે છે અને તેઓ રાજકીય અને સામાજીક રીતે પ્રભાવ ધરાવે છે.
ગેનીબેન આપશે ટક્કર
વર્ષ 2017માં કોંગ્રેસે વાવ બેઠક પર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને પસંદ કર્યા હતા. તેઓને સતત બીજી વાર આ બેઠક માટે પસંદ કરવામાં આવ્યા હતા. ગેનીબેન આ પહેલા 2012 માં શંકર ચૌધરી સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉતર્યા હતા અને તેઓની મોટા અંતરથી હાર થઈ હતી. બાદમાં 2017માં ફરીથી ભાજપના શંકર ચૌધરી સામે મેદાને ઉતરતા 6 હજાર કરતા વધારે મતથી જીત મેળવી હતી. જ્યારે 2022માં ભાજપના સ્વરુપજી ઠાકોર સામે પણ ગેનીબેને મોટા અંતરથી જીત નોંધાવી હતી. આમ સળંગ બીજી વાર ધારાસભ્ય તરીકે જીત મેળવી હતી.
ગેનીબેનને ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદથી જ લોકસભાની ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા હતા. એ અણસારો મુજબ જ કોંગ્રેસે તેમની પસંદગી કરી છે. ગેનીબેનને મેદાને ઉતારવા પાછળ કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમીકરણને ધ્યાને રાખી રહ્યુ છે.
ડો. રેખાબેન ચૌધરી વિશે જાણો
ભાજપના ઉમેદવાર તરીકે બેઠક પર પ્રથમવાર મહિલા ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા છે. ભાજપે રેખાબેન હિતેષભાઈ ચૌધરીને પસંદ કર્યા છે. રેખાબેન ચૌધરી વ્યવસાયે 20 વર્ષથી પ્રોફેસર છે. ડો. રેખાબેન ચૌધરી 44 વર્ષના છે, તેમજ તેઓ મેથેમેટિક્સમાં PhD ની ડિગ્રી ધરાવે છે. રેખાબેને M.Sc., M. Phill નો અભ્યાસ કરેલ છે. આમ શિક્ષિત ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે.
તેઓ ચૌધરી સમાજના અગ્રણી ગલબાભાઇ ચૌધરીના પરિવારમાંથી આવે છે. ગલબાભાઇ પટેલના તેઓ પૌત્રી છે. બનાસ ડેરીના આદ્ય સ્થાપક છે, ગલબાભાઈ અને જિલ્લાના પશુપાલકોમાં તેમનો પ્રભાવ રહ્યો છે.
લોકસભા ચૂંટણી 2019નું પરિણામ
પરબત પટેલ VS પરથી ભટોળ
કુલ મતદાન 64.67 ટકા
પરબત પટેલ 6,79,108 મત 61.62 ટકા પરથી ભટોળ 3,10,812 મત 28.20 ટકા સરસાઈ 3,68,296 મત
મતની ટકાવારી ભાજપ 61.62 કોંગ્રેસ 28.20
લોકસભા ચૂંટણી 2014નું પરિણામ
હરી ચૌધરી VS જોઈતા પટેલ કુલ મતદાન 58.50 ટકા
હરી ચૌધરી 5,07,856 મત જોઈતા પટેલ 3,05,522 મત સરસાઈ 2,02,334 મત
મતની ટકાવારી ભાજપ 57.23 કોંગ્રેસ 34.43
જાતિના સમીકરણો
- ચૌધરી 15 ટકા
- ઠાકોર 15 ટકા
- આદિવાસી 12 ટકા
- સવર્ણો 12 ટકા
- પાટીદાર 8 ટકા
- અન્ય 38 ટકા
કેટલી વિધાનસભા બેઠકો?
- 7 વિધાનસભા બેઠકનો સમાવેશ
- 7 પૈકી 4 બેઠકો ભાજપ પાસે છે
- 2 બેઠકો કોંગ્રેસ પાસે છે
- એક બેઠક અપક્ષ, માવજી દેસાઈ ભાજપને સમર્થન આપી ચૂક્યા છે