સૌરાષ્ટ્રની રાજકોટ, ભાવનગર અને જામનગર સહિતની બેઠકો પર ક્ષત્રિયો આક્રમક જોવા મળી રહ્યા છે. જામનગરમાં ભાજપમાંથી પૂનમ માડમ અને કોંગ્રેસના લેઉવા પાટીદાર ઉમેદવાર જે પી મારવિયા મેદાને છે. ત્યારે હાલ પૂનમ માડમને પ્રચારમાં જ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષત્રિયો દ્વારા પૂનમ માડમની સભામાં કાળા વાવટા બતાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમા પહેલા જામ જોધપુર, ત્યારબાદ કાલાવડ અને હવે ધ્રોલ શહેરમાં પૂનમ માડમની રેલી દરમિયાન 100 થી વધુ ક્ષત્રિય સમાજના યુવકોએ કાળા વાવટા બતાવી વિરોધ કર્યો હતો.
ક્ષત્રિય આંદોલનની શરૂઆત રાજકોટથી થઈ છે. રાજકોટ આ આંદોલનનું એપી સેન્ટર છે પરંતુ જામનગરથી સામે આવેલી તસ્વીરો ભાજપની મુશ્કેલી વધારી છે. જામનગર લોકસભા બેઠક પર છેલ્લી બે ટર્મ 2014 અને 2019થી પૂનમ માડમ સાંસદ છે ત્યારે આ વખતે તેમને જીતની હેટ્રિક મારવામાં ક્ષત્રિય આંદોલન નડશે કે કેમ તે મોટો સવાલ છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આંદોલનની અસર જોવા મળી રહી છે. જેના કારણે આ સીટ ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં સાવ નવા અને લેઉવા પાટીદાર ઉમેદવારને મેદાને ઉતારી કોંગ્રેસે પણ મોટો દાંવ ખેલ્યો છે.
ક્ષત્રિયોનો વિરોધ ડામવા માટે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલના અનેક પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ક્ષત્રિય સમાજનો રોષ ઓછો નથી થઈ રહ્યો. ખંભાળિયામાં સી. આર. પાટીલની સભામાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અનેક ક્ષત્રિય આગેવાનોએ આગળ આવી ભાજપનું સમર્થન કરવા અપીલ કરી પરંતુ ક્ષત્રિયો કોઈ વાતે માનવા તૈયાર નથી. બીજી તરફ જામનગરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા અને રીવાબા જાડેજા આ સમગ્ર વિવાદથી બચતા જોવા મળી રહ્યા છે. આજ સુધી એકપણ નિવેદન તેમણે આ વિવાદ પર કર્યુ નથી.
જામનગરમાં જ્ઞાતિના સમીકરણની જો વાત કરીએ તો અહીં લોકસભામાં 1.92 લાખ ક્ષત્રિય મતદારો છે. જે ભાજપને નુકસાન પહોંચાડી શકે તેમ છે. તેમજ 1.42 લાખ લેઉવા પાટીદાર ઉમેદવારો છે. આથી જ આ સીટ પર પાટીદાર કાર્ડ ચાલ્યુ તો ભાજપની મુશ્કેલી વધી શકે છે.
જામનગરમાં ભાજપમાં આંતરિક જૂથવાદ પણ ચરમસીમા પર છે. એક તરફ પૂનમ માડમ અને રિવાબા જાડેજાનો આંતરિક જૂથવાદ બીજી તરફ પૂનમ માડમ અને હકુભા જાડેજાનો વિવાદ પણ ચાલી રહ્યો છે. આ સાથે જ જામખંભાળિયા અને જામજોધપુરમાં આંતરિક જૂથવાદ છે. જેના કારણે ભાજપની કોર વોટબેંક ગણાતા પાટીદારોમાં પણ નારાજગી છે. ત્યારે જૂથવાદને ડામવામાં ભાજપને હાલાકી પડી રહી છે.
લઘુમતી મતદારોની જો વાત કરીએ તો આમ તો લઘુમતી સમાજ કોંગ્રેસની કોર વોટબેંક માનવામાં આવે છે. પરંતુ જામનગરમાં લઘુમતીઓ પણ પૂનમ માડમને મદદ કરતા આવ્યા છે. પરંતુ દ્વારકામાં રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે કરાયેલી દબાણ હટાવ કામગીરીને પગલે લઘુમતીઓ પણ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. અહીં 2.59 લાખ લઘુમતી મતદારો છે. જે ભાજપની ચિંતા વધારી શકે છે. આ ઉપરાંત અહીં સતવારા સમાજના 1.76 લાખ મતો છે અને સતવારા સમાજના બે અપક્ષ ઉમેદવારો ઉભા છે, જે મતમાં ગાબડુ પાડે તો ભાજપને ચોતરફે મોટુ નુકસાન જવાની ભીતિ છે. ક્ષત્રિયો, પાટીદારો, લઘુમતીઓ અને સતવારા સમાજના મતો વહેંચાઈ જાય તો ભાજપને મોટુ નુકસાન ભોગવવુ પડી શકે છે.
રાજ્યભરમાં ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે. ત્યારે 2 જી મે ના રોજ ક્ષત્રિય સમાજે જામનગરમાં મહાસંમેલનની જાહેરાત કરી છે. જેના કારણે આ આંદોલન વધુ વેગવંતુ બનશે અને ભાજપની મુશ્કેલી વધી શકે છે.
આ પણ વાંચો: રાજ્યમાં પોલિંગ કર્મચારીઓ માટે મતદાન પ્રક્રિયાનો આજથી પ્રારંભ, 1 મે સુધી પોસ્ટલ બેલેટથી કરી શકશે મતદાન-Video
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:04 pm, Mon, 29 April 24