ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજ્યા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરજીએ કચ્છમાં ખાનગી હોટેલમાં ક્ષત્રિય આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. આ બેઠકમાં ક્ષત્રિયો દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલા પરશોત્તમ રૂપાલાના વિરોધને ડામવા મુદ્દે ચર્ચા કરવામાં આવી.
ક્ષત્રિયોનો વિરોધ ડામવા ભાજપ હવે ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં દેખાઈ રહી છે અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મેદાને ઉતાર્યા હોય તેવુ દેખાઈ રહ્યુ છે. સૌપ્રથમ તેમણે ભાવનગરમાં ખાનગી હોટેલમાં બેઠક કરી હતી. જે દરમિયાન ધારાસભ્ય જીતુ વાઘાણી, ભાવનગરના લોકસભા ઉમેદવાર નિમુબેન બાંભણિયા સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિત ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા હતા.
આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ નિમુબેનની સભામાં મનસુખ માંડવિયા સંબોધન કરી રહ્યા હતા એ સમયે ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવી વિરોધ કર્યો હતો અને ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ ક્ષત્રિય યુવાને સ્ટેજ પર જઈ રાજીનામુ આપ્યુ હતુ.
આ તરફ સુરેન્દ્રનગરમાં પણ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્ષત્રિય નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. ડેમેજ કંટ્રોલ કરવા માટે પ્રેસિડેન્ટ હોટેલમાં બંધ બારણે બેઠક યોજાઈ હતી. ભાજપમાં જોડાયેલા ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક આયોજિત કરાઈ હતી. ભાજપમાં જોડાયેલા ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ બેઠકમાં હાજર રહ્યા હતા.
અગાઉ જામનગરમાં ક્ષત્રિયોના આંદોલનને શાંત કરવા મુદ્દે યોજાયેલી બેઠકમાં મહદઅંશે આંદોલન શાંત કરવા અંગેની ક્ષત્રિય આગેવાનોએ બાંહેધરી લીધી હતી. ગઈકાલે ગૃહરાજ્યમંત્રીએ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી. સયાજી હોટેલમાં હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાને સાથે ચર્ચા કરી હતી.
આજે કચ્છમાં પણ હર્ષ સંઘવીએ ખાનગી હોટેલમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને આંદોલનને શાંત પાડવા મુદ્દે ચર્ચા થઈ હતી. આ અગાઉ રવિવારે કચ્છમાં ક્ષત્રિયોનું સંમેલન મળ્યુ હતુ. જેમા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ સાથે કરણી સેનાના આગેવાનો જોડાયા હતા. સંમેલનમાં રૂપાલા સાથે ભાજપને મત નહીં આપવાની અપીલ કરવામાં આવી. તો ક્ષત્રાણીઓએ કોંગ્રેસના ઉમેદવારને રાખડી બાંધીને પોતાનું સમર્થન જાહેર કર્યુ. આમ હવે એક તરફ ક્ષત્રિયો રૂપાલા સહિત ભાજપનો વિરોધ કરવાની સાથે કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે. જેને લઈને ભાજપ પણ હવે ડેમેજ કંટ્રોલ કરવાની મુદ્રામાં આવી ગઈ છે અને ક્ષત્રિય આગેવાનો સાથે જિલ્લાવાર બેઠકોનો દૌર શરૂ કર્યો છે.